કેબિનમાં ફસાયેલા ચાલકને એક કલાકની જહેમત બાદ જેસીબી-ક્રેન વડે બહાર કઢાયો: તંત્રની બેદરકારી સામે રોષ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
- Advertisement -
હળવદ-માળિયા હાઈવે પર આવેલી હરીદર્શન ચોકડી પાસે મંગળવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હરીદર્શન ચોકડી પર આવેલા જોખમી બમ્પને કારણે અવારનવાર અકસ્માતો થતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા વધુ એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બમ્પ પસાર કરી રહેલા એક ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવતું ડમ્પર ધડાકાભેર અથડાયું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનો આગળનો ભાગ ટ્રેલરના પાછળના ભાગમાં લોખંડના કબાટની જેમ ઘૂસી ગયો હતો. અકસ્માતને પગલે ડમ્પર ચાલક કેબિનમાં જ બૂરી રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો, 108ની ટીમ અને હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે બે જેસીબી અને ક્રેનની મદદ લેવામાં આવી હતી. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢી હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને મોરબી રિફર કરવામાં આવ્યો છે.
આ અકસ્માત બાદ સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે હરીદર્શન ચોકડી પાસેના બમ્પ અત્યંત જોખમી છે અને તેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. અનેક રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ આ મામલે મૌન સેવી રહ્યું છે. શહેરીજનોએ માંગ કરી છે કે આ જોખમી બમ્પને તાત્કાલિક યોગ્ય કરવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.



