સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસ ત્રાટકી
આદર્શ અગ્રવાલની 25મી મેરેજ એનિવર્સરીની પાર્ટી: મુંબઈના અમિત પચેરીવાલએ સાઢુ માટે પાર્ટી રાખી હતી
- Advertisement -
હુક્કા-દારૂની મહેફિલ: લક્ઝુરિયસ કાર્સ, દારૂ-હુક્કા સહિત 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદમાં સાણંદ પોલીસે ગઈકાલે(4 ફેબ્રુઆરી) મોડી રાત્રે ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. આ મહેફિલ એક દંપતિની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. સાણંદના પ્રાઇવેટ વિકેન્ડ હોમમાં મુંબઈના એક શખસે પોતાના સાઢુની મેરેજ એનિવર્સરીને લઇને અટની 25મી મેરેજ એનિવર્સરીની થીમ પાર્ટી યોજી હતી. જેમાં 11 ટેબલ પર કેક, હુક્કા ને દારુ પીરસાયો હતો અને મહેમાન બન્યા હતા અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર.
પોલીસે રેડ કરતાં જ પાર્ટી એનિમલ્સમાં નાસભાગ મચી હતી, પરંતુ પોલીસે 38 યુવતી, 43 યુવકો એમ 81 લોકોની અટકાયત કરી કુલ 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુંબઈના અમિત ગોપીલાલ પચેરીવાલ (ઉ.વ.49 રહે.જયંત મહેલ, ડી-રોડ, મરીન ડ્રાઇવ, વાનખેડે સ્ટેડીયમની સામે, મુંબઇવાળા)એ પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી કરવા પાર્ટીનુ આયોજન કર્યું હતું. આ હાઇપ્રોફાઇલ પાર્ટીમાં તમામ પ્રકારનું આયોજન કરાયું હતું. વેલ્કમ ડ્રિન્ક્સથી લઇને દારૂ, હુક્કા અને જમવા સહિતની વ્યવસ્થા કરાઈ હતી. વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 81 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ ગઈ હતી. પોલીસે ઝડપેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. સાણંદની મહેફિલમાં 20થી વધારે લક્ઝુરિયસ ગાડીઓ પોલીસે કબજે લીધી છે. લગ્નજીવનની 25મી વર્ષગાંઠમાં પાર્ટીમાં ઉજવણીમાં જેટલા પણ લોકો ઝડપાયા છે એમાં મોટાભાગે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સાણંદ વિસ્તારમાં પ્રાઈવેટ પાર્ટીઓ અને દારૂ-હુક્કાના વધતા કેસો તરફ ધ્યાન દોરે છે.



