ફૂટબોલના ભાવિ માટે પ્રતિભાઓ તૈયાર કરવા એ.આઇ.એફ.એફ. 18 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (ૠજઋઅ) દ્વારા આજે અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (અઈંઋઋ)ના નવા ચૂંટાયેલા પ્રમુખ કલ્યાણ ચૌબેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.આઇ.એફ.એફ.ના માનદ કોષાધ્યક્ષ કિપા અજય અને જી.એસ.એફ.એ.ના પ્રમુખ પરિમલ નથવાણી સાથે જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ અને જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસીએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ, એ.આઇ.એફ.એફ. પ્રમુખ તરીકે કલ્યાણ ચૌબેના નોમિનેશનની દરખાસ્ત જીએસએફએ દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
સંબોધન કરતાં કલ્યાણ ચૌબેએ એ.આઇ.એફ.એફ.ની પ્રમુખપદની ચૂંટણીમાં ગુજરાતમાંથી તેમને નોમિનેટ કરવા બદલ પરિમલ નથવાણી અને જી.એસ.એફ.એ.નો આભાર વ્યક્ત કર્યો હતો. એ.આઈ.એફ.એફ.ના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ફૂટબોલ રમેલા વ્યક્તિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે. આ ત્યારે જ શક્ય બન્યું છે જ્યારે પરિમલ નથવાણીએ મને ગુજરાતમાંથી નોમિનેટ કરીને ભારતીય ફૂટબોલની સેવા કરવાની તક આપી હતી તેમ ચૌબેએ કહ્યું હતું.
તેમણે ભારતમાં ફૂટબોલના વિકાસ અને ભારતીય ફૂટબોલને વધુ ઊંચા સ્તરે પહોંચાડવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે અમે ભારતમાં ફૂટબોલના વિકાસ માટે રોડમેપ તૈયાર કર્યો છે. અમે ફૂટબોલ ગ્રાઉન્ડ ધરાવતી લગભગ 18,000 શાળાઓમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચીશું અને લગભગ 18 લાખ વિદ્યાર્થીઓનો એક સમુહ તૈયાર કરીશું, જેઓ ફૂટબોલની બેઝિક સ્કિલ્સ શીખશે. આ વિદ્યાર્થીઓમાંથી અમને પાંચ-દસ વર્ષ પછી સારા ખેલાડીઓ મળશે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ભારત રમતોમાં માત્ર ભાગ લેતું હતું, પરંતુ હવે ભારત જીતવા માટે ભાગ લેશે. કલ્યાણ ચૌબેએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ભારતમાં ફૂટબોલના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તેઓ ઈચ્છે છે કે જ્યારે ભારતે વિજ્ઞાન, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રે પ્રશંસા મેળવી છે.
જી.એસ.એફ.એ.ના જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાની એ.આઇ.એફ.એફ.માં ટેલેન્ટ સ્કાઉટિંગ અને પાયાના સ્તરે ફૂટબોલના વિકાસ માટે સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ જીજ્ઞેશ પાટીલને એ.આઇ.એફ.એફ.ની બીચ સોકર કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને જી.એસ.એફ.એ.ના ખજાનચી મયંક બૂચને એ.આઇ.એફ.એફ. નાણા સમિતિમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ હનીફ જીનવાલા, જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ જીજ્ઞેશ પાટીલ, જી.એસ.એફ.એ.ના પૂર્વ પ્રમુખ હરદેવસિંહ જાડેજા, કેરળ રાજ્ય ફૂટબોલ એસોસીએશનના જનરલ સેક્રેટરી અનિલ પ્રભાકરન, હરિયાણા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ સૂરજ પાલ ‘અમુ’ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જુદા જુદા જિલ્લા ફૂટબોલ એસોસીએશનો દ્વારા કલ્યાણ ચૌબે અને કિપાને સન્માનિત કરવામાં આવ્યા હતા. જી.એસ.એફ.એ.ના જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું જ્યારે જી.એસ.એફ.એ.ના ખજાનચી મયંક બૂચે આભારવિધિ કરી હતી.