‘વૃદ્ધને ફસાવી 7થી 8 લાખમાં સેટિંગ કરવાનું’ કહી મકાન તોડી પાડવાની ધમકી આપી
સામા પક્ષે યુવતીએ છેડતી કર્યાની વૃદ્ધ સામે વળતી ફરિયાદ નોંધાવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબા વાળા ફરી એક વિવાદમાં સપડાયા છે. ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામના વ્યક્તિએ તેજલ છૈયા, પદ્મિનીબા વાળા, પદ્મિનીબા વાળાનો પુત્ર, શ્યામ અને હિરેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર 15 દિવસ પહેલા તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મારી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારુ 7-8 લાખનું દેણું ભરી દો, તમે કહો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું. આવું કહીને તે યુવતીએ વિડીયો કોલમાં ટીશર્ટ કાઢી નાખ્યું હતું અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો. બીજા દિવસે ફરિયાદીને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે રાજકોટ ઓફિસ આવો. બાદમાં બે યુવાનો તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યા છે તેમને તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે, તો બેઠક ગોઠવો. ફરિયાદીના જણાવ્યાં અનુસાર પદ્મિનીબા વાળા, તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે એમ 5 લોકો તેમના ઘરમાં જબરદસ્તી કરીને ઘુસી ગયા હતા.પદ્મિનીબાએ તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો સામે જોર જોરથી બૂમો પાડી ખોટા આરોપ લગાવ્યા અને કહ્યું કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશ અને હર્ષ સંઘવીને કહીને તારા ઘર પર બુલડોઝર ફેરવડાવી દઈશ.પદ્મિનીબા તેમને ધમકાવી રહ્યાં હતા ત્યારે તેમના મિત્ર વનરાજભાઈ આવી જતા પદ્મિનીબાએ ફરિયાદીને રાજકોટ આવી માફીનો વીડિયો, માફીપત્ર અને સેટલમેન્ટ કરવા ધમકી આપી હતી. સેટલમેન્ટ તરીકે તેજલનું 7-8 લાખનું દેવું ભરવા ધમકી આપી હતી. આ દરમિયાન તેજલ નામની યુવતીએ પોતાના પર્સમાંથી દવા કાઢીને પીવાનું તરકટ પણ કર્યું હતું બાદમાં રાજકોટ બોલાવતા પોતે ગયા ન હતા અને સમાધાન કર્યું ન હતું અને ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે રાજકોટની યુવતીએ પણ વૃધ્ધ સામે વારંવાર ફોન કરી બીભત્સ માંગણી કર્યાની અને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવતા પીઆઇ ડામોરે બંને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદ બાદ પદ્મિનીબાએ વિડીયો મારફતે શું કહ્યું ?
ગોંડલ પોલીસ સ્ટેશન બહાર પદ્મિનીબા વાળાએ પોતાના પર લાગેલા આરોપો અંગે કહ્યું, આ વ્યક્તિનો ઈરાદો આ યુવતીનું શોષણ કરવાનો હતો અને અમે તેને ખુલ્લો પાડવા ગોંડલ આવ્યાં હતા. આ વ્યક્તિ અને તેના પરિવારજનોએ અમારી માફી પણ માંગી તે તમે જતું કરો. તેમણે માફી પણ માંગી કે મારી કોઈ દિવસ ભૂલ થશે નહીં. અમે એમને ન્યુઝમાં આવી માફી માંગવા કહ્યું. મારા ભેગા બે ત્રણ દીકરાઓ આવ્યા હતા ખાસ કરીને મારો દીકરો તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા ઉપર શેની ઋઈંછ? અમે ત્યાં હતા અમે ત્યાં બેઠા હતા નથી કોઈ મારકૂટ કરી એવું કોઈ એવીડન્સ નથી કે અમારી ઉપર જે ફરિયાદ થઈ શકે, તો આ ક્યાંનો ન્યાય છે? ન્યાય દેવડાવે છે એની ઉપર જો તમે ચડી બેસો અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બહેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્ર્ન પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેપ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને?