સહી કોઇની અને પ્રસૂતી કોઇ અલગ જ વ્યક્તિ કરાવે !
ડૉ. હિના અગ્રવાલ પાસે શું ડિલિવરી કરાવવા માટે સમય નથી ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટના જામનગર રોડ પર આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. અહીં સરકારી યોજના હેઠળ ડિલિવરી માટે આવતી મહિલા અને નવજાત શિશુના જીવ ગુમાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે આ ઉપરાંત ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ડિલિવરી માટે આવતી ગર્ભવતી મહિલાઓની નોર્મલ ડિલિવરી ન કરવામાં આવતા ધરાર સિઝરિયન કરાવામાં આવી રહ્યું છે. ગર્ભવતી મહિલાઓની નોર્મલની જગ્યાએ જાણી જોઈને સિઝરિયન ડિલિવરી કરાવીને ક્રાઈસ્ટ હોસ્પિટલ સરકારી યોજના હેઠળ કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ દરમિયાન ખાસ-ખબરને ક્રાઈસ્ટ હોસ્પિટલની વધુ એક વરવી વાસ્તવિકતા હાથ લાગી છે.
સચોટ આધાર પુરાવા પરથી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની ડિલિવરી એક હોમિયોપેથી ડૉક્ટર દ્વારા કરાવવામાં આવી રહ્યા હોવાનું માલૂમ પડ્યું છે. ડૉ. ખૂશ્બુ નામ ધરાવતી એક બીએચએમએસ દ્વારા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવતી હોવાની હકિકત પ્રકાશમાં આવી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, બીએચએમએસ એટલે કે હોમિયોપેથિક ડૉક્ટર ગર્ભવતી મહિલાઓની ડિલિવરી ન કરાવી શકે, આમ છતાં ક્રાઈસ્ટ હોસ્પિટલમાં હોમિયોપેથી ડૉ. ખૂશ્બુ દ્વારા હાઈરિક્સ ડિલિવરી અને સિઝરિયન કરવામાં આવી રહ્યું છે. આ પરથી ખ્યાલ આવે છે કે, શા માટે ક્રાઈસ્ટ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુના જીવ ગુમાવવાની ઘટનાઓ વધુ બની રહી છે.
- Advertisement -
ડૉ. હિના અગ્રવાલની જગ્યાએ ડૉ. ખૂશ્બુ કરાવે છે ડિલિવરી!
ખાસ-ખબરને મળેલા સચોટ આધાર પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે, હજુ ગત 11 એપ્રિલના રોજ ડૉ. હિના અગ્રવાલ રજા પર હોવાથી બીએચએમએસ ડૉ. ખૂશ્બુ દ્વારા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી કરાવવામાં આવી હતી. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં રહેલા આસિસ્ટન્ટ ડૉ. ખૂશ્બુ પાસે ગર્ભવતી મહિલાઓને ડિલિવરી કરવાવવાની કોઈ જ લાયકાત કે ડિગ્રી નથી છતા પણ હોમિયોપેથિક ડૉ. ખૂશ્બુ દ્વારા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં હાઈરિસ્ક ડિલિવરી અને સિઝરિયન કરાવવામાં આવી રહ્યું છે જેથી ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે.