બન્ને કોલેજના સત્તાધિશો દ્વારા સૌ.યુનિ. અને શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો
એમ. ટી. ધમસાણીયા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી કિરણ ભાલોડીયાએ સ્ટાફની અછત અને મેન્ટેનન્સ ફંડ ન હોવાનું કારણ ધરી કોલેજ બંધ કરવા માટે અરજી કરી
સદગુરુ મહિલા કોલેજમાં ઇ.જભ. હોમ સાયન્સ કોર્સમાં વિદ્યાર્થીઓની રુચિ ઘટતા કોર્સ બંધ ટ્રસ્ટના ઉપપ્રમુખ નવીન ઠક્કરની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજોની ઘટ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 1 એકર એટલે કે, અંદાજે રૂ. 47 કરોડની કિંમતની કિંમતી જગ્યામાં ફેલાયેલી ધમસાણીયા ગ્રાન્ટેડ કોલેજ બંધ કરવા માટે શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો છે. જે કોલેજમાં 500 વિદ્યાર્થીઓ વાર્ષીક રૂ. 3000ની નજીવી ફીથી અભ્યાસ કરી રહ્યા છે, તેઓને ખાનગી કોલેજોમાં ઊંચી ફી આપી લૂંટાવું પડશે. તેમજ 6 કાયમી અધ્યાપકોની નોકરી પણ છીનવાશે અથવા રાજકોટની અન્ય કે રાજકોટ બહારની કોલેજમાં બદલી કરી દેવામાં આવશે.
જ્યારે ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસેની 8 એકર જગ્યામાં ફેલાયેલી સદગુરુ મહિલા કોલેજમાં હોમ સાયન્સનો બેચલર ડિગ્રીનો કોર્સ બંધ કરવા માટે શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો છે. અહીં 81 દીકરીઓ રૂ. 1200ની નજીવી વાર્ષિક ફીથી અભ્યાસ કરી રહી છે. આ કોર્સ બંધ થતાં 6 અધ્યાપકો અને 1 લેબોરેટરી આસિસ્ટન્ટને મળેલી સરકારી નોકરી પર લટકતી તલવાર રહેશે. જોકે, આ સમગ્ર બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે કહ્યું કે, સૌપ્રથમ રાજ્ય સરકાર દ્વારા કોલેજ બંધ કરવા કે કોર્સ બંધ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે તે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગળની પ્રક્રિયા કરાશે.
એમ. ટી. ધમસાણીયા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી કિરણ ભાલોડીયાએ ઉચ્ચ શિક્ષણ કમિશનર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી અને ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમારને કોલેજ બંધ કરવા માટે અરજી કરેલી છે. જેમાં વર્ષ 2025-26માં પ્રથમ વર્ષ, 2026-27માં બીજુ વર્ષ અને 2027-28માં ત્રીજુ વર્ષ બંધ કરવા માટે લખવામાં આવેલું છે. જેમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, ધમસાણીયા ગ્રાન્ટેડ કોલેજનું બિલ્ડિંગ ભાડા ઉપર ચાલે છે. રાજ્ય સરકાર દ્વારા માત્ર 6 કાયમી શિક્ષકોની સેલેરી જ કરવામાં આવે છે. કોલેજના ડેવલોપમેન્ટ કે મેન્ટેનન્સ માટેનું કોઈ જ ફંડ આપવામાં આવતું નથી. કોલેજમાં વહીવટી સ્ટાફની પણ અછત છે.
કણસાગરા મહિલા કોલેજ કેમ્પસમાં ભાલોડીયા કોલેજ ચાલે છે અને આ કોલેજને ધમસાણીયા કોલેજમાં શિફ્ટ કરવાની હોવાથી અમે ધમસાણીયા કોલેજ ક્રમશ: બંધ કરવા માટે 14 સપ્ટેમ્બર, 2024ના અરજી કરી છે. હાલમાં જે વાત ચાલી રહી છે કે, આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવશે તે વાતમાં કોઈ જ તથ્ય નથી. અમે ભાલોડીયા ગ્રાન્ટેડ કોલેજ છે તે કોલેજને જ ધમસાણીયા કોલેજ કેમ્પસમાં શિફ્ટ કરવા માગીએ છીએ. હાલ કણસાગરા કોલેજમાં 1500 તો ભાલોડીયા કોલેજમાં 800 દીકરીઓ નજીવી ફી સાથે અભ્યાસ કરી રહી છે.
- Advertisement -
જ્યારે શહેરના ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસે આવેલી રાજકોટ કેળવણી મંડળ સંચાલિત સદગુરુ મહિલા હોમ સાયન્સ કોલેજ ટ્રસ્ટના ઉપપ્રમુખ નવીન ઠક્કરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને સંયુક્ત શિક્ષણ નિયામકને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઇ.જભ. હોમ સાયન્સ કોર્સમાં છેલ્લા પાંચથી સાત વર્ષથી વિદ્યાર્થીઓની રુચિ ઘટતી જાય છે અને તેને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલા 6 અધ્યાપકો અને 1 લેબોરેટરી આસિસ્ટન્ટ છે. જેથી આ ડીગ્રી કોર્સ ક્રમશ: 3 વર્ષમાં બંધ કરવા માટે વિનંતી કરીએ છીએ. 2025-26થી એટલે કે, નવા વર્ષથી આ કોલેજમાં ઇ.જભ. હોમ સાયન્સ કોર્સમાં નવા એડમિશન નહીં આપીએ તેવી ખાતરી આપીએ છીએ.
ગ્રાન્ટેડ કોલેજો નજીવી ફી સાથે વિદ્યાર્થીઓના વાલીઓ માટે ચિંતાનો વિષય
ગ્રાન્ટેડ કોલેજો નજીવી ફી સાથે વિદ્યાર્થીઓને ભણાવતી હોય છે, ત્યારે ગ્રાન્ટેડ કોલેજો ધીમે ધીમે બંધ થઈ જશે તો અધ્યાપકો તો નોકરી વિહોણા થશે જ, પરંતુ સૌથી મોટું નુકસાન વિદ્યાર્થીઓને થશે ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ ઓછી ફીમાં નહીં ભણી શકે અને ખાનગી કોલેજોમાં ઊંચી ફી ભરી વિદ્યાર્થીઓને અને વાલીઓને લૂંટાવું પડશે.