-બહેનના નિવાસસ્થાને પહોંચ્યા: કે.ડી. હોસ્પિટલમાં રાજેશ્વરીબહેને અંતિમ શ્વાસ લીધા
ઉત્તરાયણ મનાવવા માટે ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પરિવારમાં દુ:ખદ સમાચાર આવ્યા છે. હાલ અમદાવાદમાં જ રહેલા અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદિપભાઇ શાહનું નિધન થતાં અમિતભાઇએ તેમનો આજનો બનાસકાંઠાનો કાર્યક્રમ રદ કર્યો હતો અને તેમના બહેનના નિવાસસ્થાને પહોંચી ગયા હતાં.
- Advertisement -
રાજેશ્વરીબેન લાંબા સમયથી બિમાર હતા. અને આજે તેમનું નિધન થતાં શાહ પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. અમિતભાઇ આજે બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ ડેરીના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં હાજરી આપવા માટે જવાના હતા પરંતુ તેમના બહેનના નિધનના સમાચાર મળતા કાર્યક્રમ રદ કર્યો હતો.
અમિત શાહના બહેનનું અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં નિધન થયું હતું અગાઉ તેઓને મુંબઇમાં એક હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને અમિતભાઇ મુંબઇ ગયા ત્યારે તેમના બહેનની મુલાકાત પણ કરી હતી અને તબીબો સાથે ચર્ચા પણ કરી હતી. અમિતભાઇ બે કલાક સુધી હોસ્પીટલમાં રોકાયા હતા. તે સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ તેમની સાથે જોડાયા હતા.