આવ્યો રંગ-ઉમંગનો પર્વ હોળી-ધૂળેટી
રંગ-ઉમંગનો પર્વ હોળી અને ધૂળેટીનો તહેવાર આવી ચૂક્યો છે, હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે રાજકોટ શહેરની બજારોમાં ધાણી-ખજૂર-મમરા, સીંગ-ચણા તેમજ શૂકનવંતા હાયડાનું વેચાણ થઈ રહ્યું છે. રંગોનો તહેવાર ધૂળેટીનું પર્વ જેમ-જેમ નજીક આવી રહ્યું તેમ-તેમ બજારોમાં રંગબેરંગી રંગોની રોનક ફેલાય રહી છે. ધૂળેટીના દિવસે રંગો અને પીચકારીનું મહત્વ હોવાથી બજારો અવનવા રંગો અને આકર્ષક પીચકારીઓથી છલકાઈ ગઈ છે.
- Advertisement -
જેમાં હનુમાનજીની ગદાવાળી પીચકારી, પોકીમોન પીચકારી ઉપરાંત બંદૂકો અને મોટી ટેંકવાળી પીચકારી બજારોમાં જોવા મળી રહી છે. બાળકો માટે અલગ-અલગ કાર્ટુન કેરેક્ટરવાળી પિચકારી, કલર, ફૂગ્ગા વગેરેની અઢળક વેરાયટીથી રાજકોટની સદર બજાર, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડીની બજારો ઉભરાઈ ગઈ છે. મોટેરાઓ માટે આ વખતે બજારમાં અવનવા રંગો આવ્યા છે. ખાસ તો ચામડી અને શરીરને કોઈ નુકશાન ન થાય તે માટે હર્બલ કલરની ભારે ડિમાન્ડ છે. હોળી-ધૂળેટી નિમિતે ઘણા રિસોર્ટ-હોટેલમાં સ્પેશીયલ હોલી સેલિબ્રેશન પણ રાખવામાં આવ્યું છે. હોળી-ધૂળેટીને લઈ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકોમાં અનેરો ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહ્યો છે.