કાર્તિક મહેતા
બલમ પિચકારી જો તુને મુજે મારી…… આ ગીતમાં જે પિચકારીનો ઉલ્લેખ છે તે પિચકારી કઈ તે તો બાળકો સિવાય બધા સમજી શકે એવી વાત છે. આ ગીત ભલે એક હિન્દી ફિલ્મનું ગીત ગણાતું હોય પરંતુ આ ગીત ખરેખર એક ઉત્તર ભારતીય ફાગવા/ફગુઆ કે ફાગ ગણાતું ગીત પરથી “પ્રેરિત” છે જેને હોળી સમયે ગાવામાં આવે છે. હોળી સમયે ગવાતા ફાગ ની પરંપરા છેક નેપાળથી લઈને સૌરાષ્ટ્ર સુધી પ્રચલિત છે. પરંતુ ધીમે ધીમે આ પરંપરા લુપ્ત થતી જાય છે. સૌરાષ્ટ્ર કે ગુજરાતના ગામડાઓમાં હમણાં એકાદ બે પેઢી સુધી હોળી સમયે આવા ફાગ ગવાતા જેમાં દ્વિઅર્થી શબ્દો અને વાતોની ભરમાર રહેતી. આ ફાગની મજા મોટે ભાગે પુરુષો લેતા (જેમ આજે પણ દ્વિઅર્થી કોમેડી માણવામાં પુરુષો સ્વાભાવીક રીતે વધારે છે) . જોકે લગ્નો સમયે ગવાતા દ્વિઅર્થી ગીતો તો ફાગ કરતા પણ અશ્લીલ રહેતા અને એમાં અમુક ફટાણાં કેવળ સ્ત્રીઓ ગાતી . આ ફટાણાં આજે કોઈ સાંભળી જાય તો એને આઘાત લાગી જાય એટલી હદે ભીબત્સ રસથી છલોછલ રહેતા. ઉત્તર ભારતમાં હોળી સમયે જોગીડા નામનાં ગીતો ગવાતા રહ્યા છે જેમાં સામાજિક કે રાજકીય કટાક્ષ સાથે અશ્લીલતા પણ સાહજિક હતી. હિન્દી ફિલ્મોના ગીતોમાં “જોગિરા સા રા રાં રા….” પંક્તિઓ સાંભળી છે? આ પંક્તિઓ ખરેખર જોગિડા તરીકે ઓળખાતા હોળી ગીતોની ધ્રુવ પંક્તિ રહેતી. એનો અર્થ થાય “જોગીડાં ધીમે ધીમે…” જોગીડા ગવાય એની સાથે સાથે એક કે બે યુવાન છોકરાઓ સ્ત્રીઓના કપડા પહેરીને નાચતા. કહેવાય છે કે આ અશ્લીલ ગીતો ખરેખર ગૂઢ વાણી હતા. જોગી (એટલે કે યોગી) સંપ્રદાય પાળતા લોકોના સાહિત્યમાં અવળ વાણી નો પ્રયોગ બહુ વ્યાપક છે.જેમાં જે કહેવાનું હોય એને જરા “અવળું” કે “અવળચંડું” કરીને કહેવામાં આવતું. આને કારણે લોકોને સહજતા પૂર્વક યોગ અને તંત્રની અઘરી વાતો સમજાવી શકાય. આપણા વેદોમાં પણ આવી અવળ વાણી છે. (અશ્વમેધ યજ્ઞ નું વર્ણન આવી વાણીમાં છે જેથી વાંચનારને જુગુપ્સા પ્રેરિત રસ પડે પણ એનો અર્થ સાવ અલગ જ હોય).. હોળીનો તહેવાર આપણા સંક્રાંતિ કે અન્ય તહેવારોની જેમ સુર્ય અને ચંદ્રની ગતિ ઉપર આધારિત છે. મૂળ તો માર્ચના મધ્યમાં (લગભગ સોળમી માર્ચે) દિવસ અને રાતની લંબાઈ એકસરખી થઈ જાય છે. આ ઘટનાને “વસંત સંપાત દિન” અથવા “વિન્ટર ઇકવિનોકસ” કહેવાય છે.
- Advertisement -
આ દિવસ પછી ક્રમશ: દિવસો ટૂંકા અને રાત લાંબી થતી જાય છે અને છેવટે 21 જૂન આસપાસ સહુથી લાંબી રાત્રિ આવે છે. આ જે તિથિએ દિવસ અને રાત્ર સમાન લંબાઈ વાળા હોય એને ઉજવવાની પરમ્પરા આખા ભારતમાં છે. પણ આપણે ચંદ્ર આધારિત કેલેન્ડર ને પણ માનીએ છીએ. જ્યારે વિદેશી (યુરોપિયન) ખાલી સૂર્યને જ ગણત્રીમાં લે છે. આથી આ જે વસંત સમ્પાત દિન અથવા દિવસ અને રાત્રી સમાન થઈ જવાની આસપાસ જે પૂર્ણિમા આવે એને આપણે હોળી કહીએ છીએ. આસામમાં બિહુ તરીકે આની ઉજવણી થાય છે. બીહુ પાછળ મૂળ શબ્દ “વિશું” છે કેમકે વિશુ એટલે બે સમાન ભાગ. જે તિથિએ દિવસ અને રાત બે સમાન ભાગમાં વહેચાઈ જાય એને વીશુ અથવા બીહું કહેવાય. દક્ષિણમાં કામ દહન સ્વરૂપે આ તહેવાર ઉજવાય છે તો પંજાબમાં લોહરી સ્વરૂપે. પણ એકંદરે બધે આ તહેવાર માણસમાં દબાયેલી આદિમ વૃત્તિઓ નો ઉત્સવ છે. રાજસ્થાનમાં હોળીના આગલે દિવસે અનેક સ્થળે ઇલોજી મહારાજ નામનાં એક દેવતાની પૂજા થાય છે. ઇલોજી મહારાજ પ્રેમના દેવતા કહેવાય છે અને હોલિકાનાં પતિ પણ માનવામાં આવે છે.કહેવાય છે કે હોલિકાને પરણવા માટે ઇલોજી જાન જોડીને આવતા હતા પણ ત્યારે હોલિકાનું મૃત્યુ થયું આથી ઇલોજીની જાન પાછી ફરી અને ઇલોજી આજીવન કુંવારા રહ્યા. ઇલોજી મહારાજની પ્રતિમાઓ સાદી પણ વિશિષ્ટ હોય છે કેમકે એમાં એમના લિંગ ને સ્પષ્ટ રીતે બહાર બતાવવામાં આવે છે. આ લિંગ ની સ્તુતિ /આરતી પણ કરવામાં આવે છે જેમાં સ્ત્રીઓ ભાગ લેતી નથી. પણ સંતાન વિહીન દંપતીઓ ઇલોજી મહારાજની માનતાઓ રાખે છે એવું એમનું માહાત્મ્ય છે. જૂના સમયની ગાયિકા ગોહર જાને મુસ્લિમ ફકીરો હોળી ખેલતા હોય એવા અનેક ગીતો રચ્યા અને ગાયા હતા. હોળી એક લોક તહેવાર છે.
લોકો ધૂળ કાદવ ગોબર વગર થી હોળી /ધુળેટી રમતા એ પણ બહુ જૂની વાત નથી. ધુળેટી શબ્દમાં જ ધૂળ આવે છે.ધૂળ થી બહુ એલર્જી હોય એવા લોકો ભારતમાં વધતાં જાય છે બાકી ગોધૂલી નામનો શબ્દ પણ ભારતમાં હતો જે ગાયોના ચાલવાથી ઉડતી ધૂળનો એટલેકે સાંજનો સમય કહેવાતો. ધૂળ ની એલર્જી પણ અંગ્રેજો એ અને એમની જીવનશૈલી એ આપેલ સમસ્યા છે. યુરોપમાં સુર્ય કિરણો નબળા હોવાથી ત્યાં ધૂળમાં જૈવ અવશેષોનું યોગ્ય વિઘટન થઈ શકે નહિ અને આ અવશેષ ખૂબ સડે, ખાસ તો ઠંડીના સમયમાં. આથી આવા સડા થી સંક્રમિત ચેપી હવાને તેઓ મીઆસ્માં કહેતા અને એને જ રોગ માટે કારણભૂત માનતા. જ્યારે ભારતમાં સૂર્યદેવની કૃપા અપરંપાર હોવાથી અહીંયા ધૂળ સાથે રમવું સાહજિક રહ્યું છે. હવે જોકે ગોરાઓ પણ ધૂળ સાથે રમવાનું મહત્વ સમજી રહ્યા છે. હોળી આપણા મૂળ સાથે આપણને જોડતો તહેવાર છે. આપણે ત્યાં સેકસ અને ધૂળ બેય પવિત્ર છે. કોઈ મોઢું મચકોડવાની બાબત નથી તે વાતની સ્મૃતિ આપણને હોળીનો તહેવાર કરાવતો રહે છે.