પાંચ ચેક રિટર્ન કેસમાં આરોપીને એક-એક વર્ષની સજા અને 6% વ્યાજ સાથે રૂ.25 લાખ ચૂકવવાનો કોર્ટે આપ્યો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચેક રિટર્નના કેસોમાં ભાગ્યે જ જોવા મળતા ચુકાદાઓમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો રાજકોટની અદાલતે આપ્યો છે. પાંચ અલગ-અલગ ચેક રિટર્ન કેસમાં આરોપીને 6% વ્યાજ સાથે કુલ ₹25 લાખની રકમ 15 દિવસમાં પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, જો રકમ પરત કરવામાં નિષ્ફળ જાય તો દરેક કેસમાં વધુ ત્રણ મહિનાની સજા અને એક-એક વર્ષની જેલની સજા પણ ફરમાવવામાં આવી છે.
કેસની વિગત મુજબ, ફરિયાદી રસીક શામજીભાઈ ચોવટીયાએ આરોપી જસ્મીન કાંતિલાલ ભીમાણી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી અને આરોપી બંને સબમર્સિબલના ધંધા સાથે સંકળાયેલા મિત્રો હતા. આરોપીને ધંધામાં નાણાંની જરૂરિયાત ઊભી થતાં, તેણે બેંક લોન મંજૂર ન થાય ત્યાં સુધી ટૂંકા ગાળા માટે ફરિયાદી પાસેથી ₹25 લાખની રકમ ઉછીની લીધી હતી. આ રકમ પરત કરવા માટે આરોપીએ ફરિયાદીને પાંચ લાખ રૂપિયાના પાંચ ચેક આપ્યા હતા.
- Advertisement -
જોકે, આ ચેક બેંકમાં રજૂ કરતા તે રિટર્ન થયા હતા. ફરિયાદીએ નોટિસ મોકલવા છતાં રકમ પરત ન મળતા, તેણે પાંચેય ચેક માટે રાજકોટની અદાલતમાં અલગ અલગ ફરિયાદો દાખલ કરી હતી.
આરોપી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદીના પુરાવાનું ખંડન થતું હોવાથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઈએ. જ્યારે ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ કાયદેસરના લેણા પેટે ચેક આપ્યા હોવાનું પુરવાર થયું છે. આરોપીએ ચેકમાં સહીનો પણ ઇનકાર કર્યો નથી અને પુરાવાનું ખંડન કરવામાં તે નિષ્ફળ ગયો છે.
કોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજોને ધ્યાનમાં લઈને ફરિયાદીનો કેસ સાચો ઠેરવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી જસ્મીન ભીમાણીએ ફરિયાદી રસીક ચોવટીયાને પાંચેય કેસમાં એક-એક વર્ષની સજા ઉપરાંત 6% વ્યાજ સાથે રકમ 15 દિવસમાં ચૂકવી દેવી. જો તે આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો દરેક કેસમાં વધુ ત્રણ-ત્રણ મહિનાની સજા ભોગવવી પડશે.
આ ચુકાદાને કારણે ચેક રિટર્નના કેસના આરોપીઓમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ પ્રકારના ચુકાદાઓ ભાગ્યે જ આવતા હોય છે. આ કેસમાં ફરિયાદી રસીકભાઈ ચોવટીયા વતી જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી સહિતના વકીલોની ટીમ રોકાયેલી હતી.



