ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે રાજકોટના આંગણે એક પાવનકારી અને ઐતિહાસિક અવસર આવી રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની 111 પવિત્ર નદીઓના જલ સાથેની જલકળશ પ્રસ્થાન યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભ પ્રસંગે રાજકોટના તમામ ગૠઘ અને મહિલા સંગઠનો એકી સાથે જોડાઈને એકતા અને આધ્યાત્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ યાત્રાનો શુભારંભ તા. 24-11-2025 (સોમવાર) ના રોજ બપોરે 3:30 કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, રાજકોટ ખાતે થયો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પવિત્ર યાત્રાના સાક્ષી બનવા અને 111 નદીઓના પાવન જળના દર્શનનો લ્હાવો લેવા માટે રાજકોટની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અવસર ધર્મ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે.



