સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્નાના વિદાય સમારોહ અને તેમની ખંડપીઠની કામગીરી લાઈવ ખાસ વેબકાસ્ટ પોર્ટલ પર રજૂ થશે : તબક્કાવાર સર્વોચ્ચ અદાલત લાઈવ પ્લેટફોર્મ પર ભવિષ્યમાં આવી જશે
દેશમાં સુપ્રિમ કોર્ટ સહિતની અદાલતોની કામગીરીને પારદર્શક બનાવવા તથા સામાન્ય લોકો પણ ટોચની અદાલતોમાં થતી સુનાવણી સહિતની કાર્યવાહી નિહાળી શકે તે માટેના એક મહત્વપૂર્ણ કદમમાં આજે સુપ્રિમ કોર્ટની કાર્યવાહી પ્રથમ વખત લાઇવ દર્શાવાશે.
- Advertisement -
આજે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્નાનો વિદાય સમારંભ યોજાઈ રહ્યો છે અને તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ માટે વેબકાસ્ટ પોર્ટલ પર સમગ્ર કાર્યવાહી જોઇ શકાશે. લગભગ 3 વર્ષ પૂર્વે સર્વોચ્ચ અદાલતમાં મહત્વની તમામ સુનાવણી તથા ચૂકાદાઓનું જીવંત પ્રસારણ થાય તે માટેની એક દરખાસ્ત કરવામાં આવી હતી અને તે માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ પ્રથમ વખત સર્વોચ્ચ અદાલત તેની આ કાર્યવાહીનું વેબ કાસ્ટ મારફત જીવંત પ્રસારણ કરી રહી છે.
સુપ્રિમ કોર્ટની ઇ-કમિટી દ્વારા સુપ્રિમ કોર્ટની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ થાય તે માટે એક ખાસ પ્લેટફોર્મ પણ તૈયાર કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે એટલું જ નહીં દેશમાં ઇ-કોર્ટની સ્થાપના અને કાર્યવાહી કે જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે તેના ભાગરુપે પણ આજે પ્રસારણ થશે. 2018માં સુપ્રિમ કોર્ટે ખુદે તેના એક ચુકાદામાં બંધારણની કલમ 21 મુજબ દેશના લોકોને ન્યાય તંત્રની પ્રક્રિયા જોવાનો અધિકાર પણ હોવાનું પ્રસ્થાપિત કર્યું હતું અને તે માટેની એક મોડલ ગાઈડલાઇન પણ બનાવવામાં આવી હતી.
- Advertisement -
જો કે આજની પ્રસારણ કામગીરી ફક્ત નિવૃત થઇ રહેલા ચીફ જસ્ટીસના વિદાય સમારોહ પૂરતી મર્યાદિત રહેશે કે પછી તબકકાવાર તેમાં સર્વોચ્ચ અદાલતની તમામ ખંડપીઠોની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ કરાશે તે હજુ નક્કી નથી. હાલ ગુજરાત હાઈકોર્ટએ દેશમાં જીવંત પ્રસારણ કરનાર પ્રથમ હાઈકોર્ટ બની છે.
Senior advocate Dushyant Dave breaks down in tears while biding adieu to outgoing Chief Justice of India NV Ramana.
Dave says CJI Ramana performed his duty with a spine and has been a citizen's judge. https://t.co/98YsebKlB8
— ANI (@ANI) August 26, 2022
આ ઉપરાંત ઓડિસા, કર્ણાટક, ઝારખંડ, પટણા અને મધ્યપ્રદેશ આ તમામ હાઈકોર્ટો પણ પોતાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માટે ખાસ યુ-ટ્યુબ ચેનલ ધરાવે છે. જો કે સર્વોચ્ચ અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ એક ખાસ વેબકાસ્ટ પોર્ટલ પર થશે અને તેનું બાદમાં એક અલગથી જ પ્લેટફોર્મ બનશે અને તેમાં દેશની અદાલતો તબકકાવાર જોડાઈ જશે તેવું માનવામાં આવે છે.