ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના રાણીબાગ પાછળ આવેલી હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં વર્ષો જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. શહેરની મુખ્ય હદમાં આવેલ આ કોમ્પ્લેક્ષ પર પહેલાં મનપા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું, પરંતુ હવે કોર્ટે રેસિડેન્ટ ભાગનું સીલ ખોલી નાખવા આદેશ આપ્યો છે. બીજી તરફ, મનપા દ્વારા કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ બાંધકામ દૂર કરવા માટે નવી નોટિસો ચિપકાવાતા ધારકો અને સ્થાનિકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ, હીરાપન્ના કોમ્પ્લેક્ષમાં કુલ 63 ફલેટ અને કોમર્શિયલ યુનિટ્સ આવેલ છે. પાલિકા કાળમાં બિલ્ડિંગને જર્જરિત જાહેર કરી નોટિસો અપાઈ હતી અને સમારકામ કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ સમારકામ ન થતા પાલિકા દ્વારા બિલ્ડિંગના રેસિડેન્ટ અને કોમર્શિયલ ભાગને સીલ મારવામાં આવ્યો હતો, જેના કારણે અનેક પરિવારો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિક રહેવાસીઓએ આ નિર્ણય સામે કોર્ટમાં અરજી કરતા, તાજેતરમાં કોર્ટે રેસિડેન્ટ ભાગનું સીલ ખોલવા માટેનો હુકમ આપ્યો છે. એ દરમિયાન, મનપા દ્વારા નવી કાર્યવાહી રૂપે બિલ્ડિંગના જોખમગ્રસ્ત ભાગને દૂર કરવાના નોટિસો ચિપકાવવામાં આવ્યા છે.
મનપાએ સ્પષ્ટ કર્યું છે કે જો બિલ્ડિંગની રિપેરિંગ કરી તેને ભયમુક્ત ન બનાવવામાં આવે તો ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મનપાની નોટિસ મુજબ, બિલ્ડિંગ ઉતારવા માટેનો અંદાજિત ખર્ચ રૂ. 35 લાખ જેટલો આવશે, અને આ રકમની ભરપાઈ ધારકોને કરવી પડશે.
આ માહિતી બહાર આવતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો છે, કારણ કે રકમનો ભાર ધારકોના શિરે આવવાનો છે. સ્થાનિક ધારકોનું કહેવું છે કે, “કોર્ટનો હુકમ આવ્યા બાદ મનપા દ્વારા નોટિસો ચિપકાવવી અસંગત છે.
અમે સમારકામ માટે તૈયાર છીએ, પણ અમને પૂરતો સમય અને તક આપવામાં આવવી જોઈએ.” હીરાપન્ના કોમ્પ્લેક્ષના વિવાદને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓમાં અનિશ્ચિતતા યથાવત છે. હવે કોર્ટે આપેલા હુકમ બાદ અને મનપાની નવી કાર્યવાહી વચ્ચે આ વિવાદ ફરી ગરમાયો છે.



 
                                 
                              
        

 
         
         
        