શું તમે કોઈ જૈન તીર્થમાં, કોઈ ચર્ચ, ગુરુદ્વારા કે મસ્જિદમાં VIP દર્શન વ્યવસ્થા જોઈ છે?
તમે કેદારનાથના તાજા વિડીયોઝ જોયા? અત્યારે ચારધામમાં કીડીયારું ઉભરાય છે, એવું કહેવું અલ્પોક્તિ ગણાશે. સમુદ્ર માંહે જેટલાં માછલાં નથી એટલું માણહ અત્યારે ચારધામમાં ખદબદી રહ્યું છે. રોજ સેંકડો વિડીયોઝ આવે છે કેદારનાથ ધામનાં. પણ, એક વિડીયો પર મારું બહુ ધ્યાન ખેંચાયું. એ છે, કેદારનાથની વી.આઈ.પી. દર્શન વ્યવસ્થા. અહીં પણ અનેક હિન્દુ તીર્થસ્થાનોની માફક પૈસા આપીને વી.આઈ.પી. દર્શનની વ્યવસ્થા છે.
- Advertisement -
શું ઈશ્ર્વર પણ કોઈ સરકારી અધિકારી કે સુપ્રીમ કોર્ટનો વકીલ છે? શું એ પણ એવા લોકોને જ દર્શન આપે છે, જે ઝાઝા રૂપિયા ખર્ચી શકે? માળું…. આ વ્યવસ્થા મને ક્યારેય સમજાઈ નથી. હિન્દુ તીર્થોમાં ઘૂસી ગયેલી, સ્વીકૃતી પામેલી અને લોકો માટે સહજ બની ગયેલી આ સૌથી મોટી બદી છે.
ઉજ્જૈનના મહાકાલેશ્ર્વર મંદિરથી લઈને કેરળના ગુરુવાયુર મંદિર સુધીના સેંકડો મહાતીર્થમાં આ અવ્યવસ્થા સુચારું રીતે ચાલી રહી છે. બદ્રીનાથ ધામમાં પણ છે અને વૈષ્ણોદેવી કે તિરુપતિ બાલાજીમાં પણ ખરી. અંગત મત એવો છે કે, પૈસા લઈને વહેલાં દર્શન કરાવવા એ કોઈ મહાપાપથી બિલકુલ કમ નથી. કલાકો સુધી કતારમાં ઉભા રહેલાં એક સામાન્ય પરિવારનાં લોકો જ્યારે તેમની પડખેથી સડસડાટ પસાર થઈને દર્શન માટે ધસી જતાં વીઆઈપી ટિકિટધારીઓને જુએ ત્યારે તેમનાં મનમાં કેવી લાગણી થતી હશે?
શું તમે કોઈ જૈન તીર્થમાં, કોઈ ચર્ચ, ગુરુદ્વારા કે મસ્જિદમાં વી.આઈ.પી. દર્શન વ્યવસ્થા જોઈ છે? માફ કરશો, મેં તો ભારતમાં હિન્દુ મંદિરો સિવાય આવી વ્યવસ્થા ક્યાંય જોઈ નથી. ક્યારેય મસ્જિદમાં જવાનું બન્યું નથી પરંતુ મનીકરણથી લઈને સુવર્ણ મંદિર સુધીનાં અગણિત ગુરુદ્વારાના દર્શનનો લાભ મળ્યો છે, શત્રુંજ્ય તીર્થથી માંડીને શંખેશ્ર્વર, દેલવાડા, જેસલમેર સુધીનાં સેંકડો જૈન તીર્થોએ જવાનું સૌભાગ્ય મળ્યું છે. ચર્ચ પણ અનેક જોયા. ભારતનું સૌપ્રથમ ચર્ચ પણ જોયું છે અને દેશની પ્રથમ મસ્જિદ (કેરળમાં) પણ બહારથી જોઈ છે. કોઈ જગ્યાએ પૈસા આપીને દર્શન કરવાની અવ્યવસ્થા-કૂવ્યવસ્થા નથી. સિમ્પલ સવાલ છે: તીર્થસ્થાને જે-તે તીર્થના અધિપતિ દેવી-દેવતાથી મોટાં વી.આઈ.પી. કોઈ હોઈ જ ન શકે.
- Advertisement -
આપણે પણ સાવ જડ નથી. વાત અહીં અસલી વી.આઈ.પી. વિશે નથી. ધારો કે, મહાકાલેશ્ર્વરમાં કોઈ કેન્દ્રીય મંત્રી ગયા હોય અને તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એ સ્વીકાર્ય છે. કારણ કે, વી.વી.આઈ.પી. મહાનુભાવો જો કતારમાં ઉભા રહે તો ઊલ્ટું વધુ અવ્યવસ્થા સર્જાય. તેમની સીક્યુરિટી વગેરેની ચંચુપાતથી સામાન્ય દર્શનાર્થીઓ અકળાઈ જાય. એમનાં પૂરતું માફ છે. પરંતુ ઈશ્ર્વરનાં દરબારમાં પણ જો ટિકિટની બોલબાલા હોય તો પછી મલ્ટિપ્લેક્સ, એમ્યુઝમેન્ટ પાર્ક અને મંદિરો વચ્ચે શો તફાવત?