અર્વાચીન ગરબાના ક્રેઝ વચ્ચે આજે પણ સંસ્કૃતિની ધરોહર સમાન પ્રાચીન ગરબીનો દબદબો
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ નવરાત્રીમાં હવે માતાજીના ગરબાના નામે બોલીવુડ અને અન્ય ફિલ્મી ગીતો પર રાસ ગરબા રમવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાં એક એવું ગરબી મંડળ છે જ્યાં નાની બાળાઓ ગરબે રમે છે અને આ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબા અને 55 થી 60 જેટલા રાસ જીવંત રાખવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. મોરબીના પાર્ટી પ્લોટોમાં અર્વાચીન ગરબાનું આયોજન કરાયું છે જેમાં યુવાઓ મનમુકીને ઝૂમવા થનગની રહ્યા છે તો બીજી તરફ શહેરમાં પ્રાચીન શેરી ગરબાઓ હજુ પણ લોકોમાં પ્રિય છે ત્યારે મોરબીમાં છેલ્લા 38 વર્ષથી શહેરની મધ્યમાં શક્તિ ચોક ગરબી યોજાઈ છે અને અહીં હિન્દૂ-મુસ્લિમ બંને સમાજની 100 જેટલી બાળાઓ એકસાથે માતાજીની આરાધના રૂપી પ્રાચીન ગરબા લે છે. આ પ્રાચીન ગરબી જોવા આખું શહેર ઉમટી પડે છે અને અર્વાચીન દાંડિયારાસના ક્રેઝ વચ્ચે પણ પ્રાચીન ગરબીઓનું મહત્વ હજુ પણ જળવાઈ રહ્યું છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
- Advertisement -
આ અંગે શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા અર્વાચીન યુગમાં પણ પ્રાચીન ભાતીગળ ગરબાઓના 50-55 જેટલા રાસ ગરબાની રમઝટ બોલાવી ભારતીય સંસ્કૃતિ જાળવવામાં આવે છે. માં શક્તિની આરાધના સાથે હિન્દુ-મુસ્લિમ બાળાઓ શક્તિ ચોક ગરબી મંડળમાં પ્રાચીન ગરબે ધુમી ખરાં અર્થમાં દેશની સંસ્કૃતીને ઉજાગર કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માં અંબેની આરાધના કરી અર્વાચીન યુગમાં શક્તિ ચોક મંડળ દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરુ પાડવામાં આવે છે અને બાળાઓની ગરબીને નિહાળવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડે છે. શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા દૈનિક અલગ અલગ રાસનું આયોજન કરવામાં આવે છે જેમાં પ્રખ્યાત માળી તારાં અંધોર નગારાં વાગે અને અભિનય રાસ ભીંજાય ધરચોડુ ભીંજાય માની ચુંદડી તેમજ સાત બેઠા સાથેનો દિવડા રાસ અને મારી મહીસાગરની આરે ઢોલ વાગે રાસ અને તલવાર રાસ જેવાં 50-60 જેટલા રાસ રમી બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે.