સુખુ સરકાર પરત ન કરી શકી 64 કરોડ રૂપિયા વ્યાજ સહિત હવે રકમ 150 કરોડ થતાં હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો
હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે દિલ્હીનાં હિમાચલ ભવનની હરાજી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ એટલાં માટે આપવામાં આવ્યો છે કારણ કે સુખવિંદર સિંહ સુખુ હાઈડ્રો પ્રોજેક્ટ સ્થાપનારી કંપનીને 64 કરોડ રૂપિયા પરત કરી શક્યાં નથી. હાઈકોર્ટે સુખુ સરકારને આ રકમ ચૂકવવા આદેશ કર્યો હતો. પરંતુ સરકારે હાઈકોર્ટનાં આ આદેશને સ્વીકાર્યો ન હતો. હવે વ્યાજ સહિત આ રકમ અંદાજે 150 કરોડ રૂપિયા થઈ છે. જે બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
- Advertisement -
આ કેસ હિમાચલના લાહૌલ-સ્પીતિમાં ચેનાબ નદી પર 400 મેગાવોટના સેલી હાઇડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. હાઈકોર્ટનાં અગાઉનાં આદેશમાં, સરકારને કંપની દ્વારા જમા કરાયેલાં 64 કરોડ રૂપિયા 7 ટકા વ્યાજ સાથે પરત કરવા કહેવામાં આવ્યું હતું.
કોર્ટે પહેલાથી જ સરકારને ચેતવણી આપી હતી કે બાકી રકમ ન ચૂકવવાથી ગંભીર પરિણામો આવશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ પૈસા સરકારી તિજોરીના છે. નવાં નિર્ણય અનુસાર, કંપની હવે બાકી રકમ વસૂલવા માટે હિમાચલ ભવનની હરાજી કરી શકે છે. પૂર્વ સીએમ જયરામ ઠાકુરે આ મુદ્દે હિમાચલની સુખુ સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ સરકાર પોતાનું સ્ટેન્ડ મજબૂત રીતે રજૂ કરી શકી નથી. આજે, હિમાચલ ભવનને જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે હિમાચલના સન્માનનું પ્રતિક કહેવાય છે.
રાજ્ય માટે આનાથી મોટી શરમની વાત શું હોઈ શકે ?
હાઈકોર્ટનાં આ નિર્ણય પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ નિવેદન આપ્યું કે તેમણે હજુ સુધી કોર્ટનો આદેશ વાંચ્યો નથી. સીએમએ કહ્યું કે હિમાચલમાં વર્ષ 2006 માં પાવર પોલિસી બનાવવામાં આવી હતી. આર્બિટ્રેટરના નિર્ણયો પણ ચિંતાનો વિષય છે, પરંતુ સરકાર હાઈકોર્ટનાં નિર્ણયનો અભ્યાસ કરી રહી છે. હું અધિકારીઓ સાથે ચર્ચા કરીશ અને પછી શું કરવું તે નક્કી કરીશ.