સ્થાનિક તંત્રએ રજૂઆતને પણ ઘોળીને પી ગયા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામની નદીમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રેતી ચોરી કરતા ખનિજ માફિયાઓ દ્વારા નદીના કિનારે આવેલા ખેતીવાડી રસ્તાઓ ખોદી નાખવામાં આવતા સ્થાનિક ખેડૂતોને પોતાના ખેતરે પહોંચવા માટે અંદાજે ચાર કિલોમીટરનો ફેરો લગાવવો પડી રહ્યો છે, જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે ખેડૂતો દ્વારા ખનિજ માફિયાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતા માથાભારે તત્વો દ્વારા દાદાગીરી અને માથાકૂટ સર્જવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણામે ખેડૂતોને મજબૂરીવશ ખનિજ માફિયાઓની દાદાગીરી સહન કરવી પડી રહી છે. ગામના સ્થાનિકો દ્વારા આ બાબતે અગાઉ સ્થાનિક તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તેમની ગંભીર રજૂઆતને તંત્ર દ્વારા ઠેબે ચડાવવામાં આવી છે. અંતે, ધ્રુમઠ ગામના ગ્રામજનોએ ગેરકાયદેસર રેતી ચોરી સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની તથા ખેડૂતોને થતા અન્યાયથી મુક્તિ અપાવવાની ઉગ્ર માંગ કરી છે.



