આગામી મહિને રિઝર્વ બેન્કની ધિરાણ નીતિ સમીક્ષા પુર્વે સરકાર તરફથી દબાણ વધ્યું
વ્યાજદર ‘વ્યાજબી’ કરવા બેન્કોને અપીલ : બેન્કના ધિરાણ લેનારા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે : મંદીની ચિંતા નહી કરવા નાણામંત્રીની સલાહ
ઉંચા ફુગાવાની સ્થિતિમાં રિઝર્વ બેન્કના બંધે હાથ જેવી હાલત વચ્ચે હવે ડિસેમ્બરમાં 15થી 25 બેઝીક પોઈન્ટ વ્યાજદર ઘટી શકે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
દેશમાં એક તરફ ઉંચા ફુગાવાની સ્થિતિ અને શેરબજારમાં પણ જે રીતે કોહરામ સર્જાયો છે. તેમાં લાંબા સમયથી ઉંચા રહેલા વ્યાજદર અંગે પણ સતત પ્રશ્નો છે પરંતુ રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવા નિર્ણય લેવાની તૈયારીઓ હોય ત્યાં જ ફુગાવાના નવા ઉંચા દર જાહેર થઈ જતા બેન્ક માટે નિર્ણય લેવો મુશ્કેલ બને છે અને ઉંચા વ્યાજદરની બેન્ક ધિરાણ પણ ખૂબ જ મોંઘુ બની ગયું છે. તે વચ્ચે હવે આગામી તા.4થી6 ડિસેમ્બરના રોજ મળનાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલીસી કમીટીની બેઠક પર નજર છે અને સરકાર તરફથી પણ હવે વ્યાજદર ઘટાડવાનું દબાણ સર્જાવા લાગ્યુ છે.
થોડા દિવસ પુર્વે કેન્દ્રીય વ્યાપાર મંત્રી શ્રી પીયુષ ગોયલે વ્યાજદર ઘટાડવા જોઈએ તેવી હિમાયત કર્યા બાદ દેશના અર્થતંત્રના બોસ ગણાતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને પણ ઉંચા વ્યાજદરથી લોકો પરેશાન છે અને બેન્કોએ વ્યાજદરને વ્યાજબી બનાવવા જોઈએ તેવી સલાહ રાષ્ટ્રીયકૃત બેન્કોને આપવાની સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને પણ આડકતરો સંદેશ મોકલી આપ્યો છે.મુંબઈમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બીઝનેસ એન્ડ ઈકોનોમીક કોન્કલોયમાં સંબોધન કરતા નાણામંત્રીએ જણાવ્યું કે ઉંચા વ્યાજદર બેન્ક ધિરાણ લેનારાઓ માટે પરેશાની બની રહી છે. બેન્કોએ વ્યાજદર ઘટાડવા માટે વિચારવું જોઈએ.ખાસ કરીને જેઓ વ્યાપારને વિસ્તારવા માંગે છે તેઓ માટે ઉંચા વ્યાજદર એક મોટી સમસ્યા છે. તેઓએ જણાવ્યું કે ઉચ્ચ વ્યાજદર વ્યાપાર ઉદ્યોગ માટે તનાવપૂર્ણ સ્થિતિ સર્જે છે અને તેની ચિંતા થવી જોઈએ. દેશમાં આર્થિક મંદીની ચિંતા પર તેઓએ જણાવ્યું કે સરકાર ઘર આંગણાની અને વૈશ્ર્વિક પડકારોથી સારી રીતે વાકેફ છે અને બિનજરૂરી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.તેઓએ બેન્કોને નાના-લઘુ ઉદ્યોગોને ધિરાણ માટે નવા માર્ગો અને પ્રોડકટ અપનાવવા સલાહ આપી હતી અને તે માટે નિયમો કે માપદંડમાં થોડી ઢીલાશ મુકવી પડે તો પણ તે માટે તૈયાર રહેવા સલાહ આપી હતી.