દેવાયત ખવડ કેસની વધુ સુનાવણી બે અઠવાડિયા બાદ
સમાધાનના નામે કાયદાની મજાક નહીં: દેવાયત ખવડ કેસમાં અદાલતનું કડક વલણ
- Advertisement -
એડવાન્સ લઇ ડાયરો ન કરવો અને જીવલેણ હુમલાના આક્ષેપો વચ્ચે સમાધાનના આધારે કેસ રદ્દ કરવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેવાયત ખવડને લઈને ચાલી રહેલી ચર્ચામાં આજે નવો વણાંક આવ્યો છે. કોઈ પ્રતિસ્પર્ધી કલાકાર કે રાજનેતા નહીં, પરંતુ ખુદ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશની કડક ટીપ્પણી ચર્ચાનું કેન્દ્ર બની છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે અને માત્ર સમાધાનના આધારે તાત્કાલિક રાહત આપવી સમાજ માટે ખોટો સંદેશ આપી શકે છે.
મામલો સનાથલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી શરૂ થયો હતો. ફરિયાદી ભગવતસિંહે આક્ષેપ કર્યો હતો કે ડાયરો કરવાના એડવાન્સ પૈસા લીધા છતાં કાર્યક્રમ કરવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત, ભગવતસિંહના દીકરા પર જીવલેણ હુમલાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ કેસમાં દેવાયત ખવડ જેલવાસ ભોગવી હાલ જામીન પર બહાર છે.
બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાનું જણાવી કેસ રદ કરવાની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે આરોપી સામે કુલ સાત જેટલા ગુનાઓ હોવાની માહિતી મેળવી કડક વલણ દાખવ્યું. અદાલતે નોંધ્યું કે ગુનો કર્યા પછી સમાધાન કરીને કાયદાની નજરમાંથી છટકી જવું યોગ્ય નથી. પરિણામે, તરત નિર્ણય લીધા વિના આગળની સુનાવણી બે અઠવાડિયા બાદ રાખવામાં આવી છે.
હાઇકોર્ટની આ ટીપ્પણી બાદ પ્રશ્ર્ન ઊભો થયો છે કે શું સમાધાનના નામે વારંવાર આરોપીને રાહત મળવી જોઈએ કે પછી આવા કિસ્સામાં ન્યાયિક કડકાઈ અનિવાર્ય છે. હવે તમામની નજર આગામી સુનાવણી પર છે અદાલત શું નિર્ણય આપે છે અને દેવાયત ખવડ આ ટીપ્પણી પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.



