લીયો લાયન્સ કલબના પ્રમુખ જયેશભાઈ પટેલ દ્વારા ઉભી કરાયેલી કાનૂની ગુંચમાં સરગમ કલબની જીત
સરગમ ક્લબ દ્વારા માત્ર બહેનો માટે કરવામાં આવતા રાસોત્સવની કાર્યવાહીને હાઇકોર્ટે પણ બિરદાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
લીયો લાયન્સ કલબના પ્રમુખ જયેશભાઈ ચનાભાઈ લાઠીયા પટેલ એ ધર્મેન્દ્રસિંહજી કોલેજનું ગ્રાઉન્ડ નવરાત્રી ના રાસોત્સવ માટે સરગમ ક્લબને ફાળવવાના સરકારના હુકમને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટ દ્રારા ફગાવી દેવામાં આવી છે.
સરગમ ક્લબ આયોજિત ગોપીરાસ માટે સરકારના નિયમો મુજબ ફાળવવામાં આવેલું ધર્મેન્દ્રસિંહજી કોલેજનું ગ્રાઉન્ડ વાણીજીયક હેતુ માટે ચાલતા લીયો લાયન્સ ક્લબને ફાળવવામાં ન આવતા ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્ય તથા રાજકોટ કલેકટર, શિક્ષણ વિભાગના સેક્રેટરી અને સરગમ વિરુધ્ધ લીયો લાયન્સ કલબના પ્રમુખ જયેશભાઈ ચનાભાઇ પટેલ દ્રારા ગુજરાત હાઈકોર્ટમાં ગ્રાઉન્ડ ફાળવણીના હુકમને પડકારી સરગમ ક્લબને ફાળવવામાં આવેલ જગ્યા પોતાને ફાળવવામાં આવે અથવા તો ગ્રાઉન્ડનો 50% – 50% સરગમ ક્લબ તથા લીયો લાયન્સ ક્લબને ફાળવવામાં આવે તેવી રજૂઆત કરતી અરજી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલ હતી. લીયો લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવેલ અરજીમાં વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવાના સરકારના સને 2010 ના પરિપત્રને પણ પડકારી તાત્કાલીક ધોરણે સરગમ ક્લબને કરવામાં આવેલી ગ્રાઉન્ડની ફાળવણી ગેરકાયદેસર હોવાનું ઠરાવી અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષની અરજીનો નિર્ણય ન આવે ત્યાં સુધી સરગમ ક્લબને પણ બહેનો માટે થતા ગોપીરાસનું આયોજન ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં ન કરવા સહિતની દાદ માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી.
લીયો લાયન્સ ક્લબ દ્રારા કરવામાં આવેલ અરજી સામે સરગમ ક્લબ દ્રારા કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા મારફતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ તેમના એડવોકેટ એડવોકેટ તુષાર ગોકાણી અને ધ્રુવ ટોળીયા મારફત હાજર થઇ રજૂઆત કરવામાં આવી હતી.
સરગમ ક્લબ દ્રારા વર્ષોથી બીન નફાકારક રીતે વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે. જે પૈકી છેલ્લા 17 વર્ષથી ગોપી રાસોત્સવ નામથી માત્ર બહેનો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી બહેનોની સુરક્ષા અને સલામતી ધ્યાને લઇ ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં ગોપી રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ ધર્મેન્દ્રસિંહજી કોલેજનું ગ્રાઉન્ડ 2023 ના રાસોત્સવ માટે મેળવવાની અરજી સરગમ ક્લબ દ્રારા જુન 2023 માં કરી દેવામાં આવી હતી જે અરજી અન્વયે રાજકોટ કલેકટર તથા ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્રારા પણ જરૂૂરી કાર્યવાહીઓ પૂર્ણ કરવામાં આવી હતી અને તમામ પાસાઓ લક્ષમાં રાખીને ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્યએ સરકારના વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવાના પરિપત્ર મુજબ સરગમ ક્લબને રાસોત્સવ માટે ગ્રાઉન્ડ ફાળવણી કરેલ હતી જ્યારે લીયો લાયન્સ ક્લબ દ્રારા કરવામાં આવેલ અરજી પાછળથી કરવામાં આવેલ હોય તેમને ગ્રાઉન્ડ ફાળવણી કરવામાં આવેલ ન હતી. અરજીની સુનાવણી દરમ્યાન સરકાર તરફે સિનિયર એડવોકેટ મનીષાબેન લવકુમાર શાહ તથા જ્યોતીબેન ભટ્ટ નાઓએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રની કાયદેસરતા સંદર્ભે પણ વિસ્તૃત રજૂઆતો કરી લીયો લાયન્સ કલબની અરજી તે પરિપત્ર પડકારવા માટે પણ તથ્યો કે વજૂદ ન હોવાની વિસ્તૃત દલીલો કરેલ હતી.
તમામ પક્ષકારોની કલાકો સુધી ચાલેલ લંબાણપૂર્વકની દલીલોના અંતે ગુજરાત હાઇકોર્ટે તર્કસંગત ચુકાદો આપી લીયો લાયન્સ કલબના પ્રમુખ જયેશભાઈ પટેલ દ્રારા કરવામાં આવેલી અરજીમાં ઉઠાવાયેલા તમામ મુદાઓ પર નામંજૂર કરેલ હતી.
આ કામમાં સરગમ ક્લબ તરફથી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી તથા અમદાવાદ ના ધ્રુવ ટોળીયા તેમજ સરકારના વિભાગો તરફે સિનિયર ધારાશાસ્ત્રી મનીષાબેન લવકુમાર શાહ તથા જ્યોતીબેન ભટ્ટ નાઓએ રજૂઆતો કરેલ હતી.