કાલાવડ બાર એસોસિએશનની રજૂઆત અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઘોળીને પી
જનાર કાલાવડ પોલીસે કલાર્ક્ને બચાવવા પાછળનું પ્રયોજન શું? કાલાવડ વકીલ મંડળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામનગર જિલ્લાના કાલાવડ મુકામે બાર એસોસિએશનના સભ્ય અર્જુન દામજીભાઈ ઠેસીયા કે જેઓ એક રેવન્યુ કામ સબબ કાલાવડ મામલતદાર કચેરીએ અનેક ધક્કાઓ ખાવા છતાં કામ ન કરનાર કલાર્ક જયદીપ શંભુભાઈ ગઢવી પાસે કામની ઉઘરાણી કરતાં એકાએક ઉશ્કેરાઈ જઈ સરકારી કર્મચારીને ન શોભે તેવું વર્તન કરી વકીલને ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરૂદ્ધ ભોગ બનનાર વકીલ કાલાવડ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલ છતાં ફરિયાદ ન લેતાં કાલાવડ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી સંબંધિત પોલીસને રજૂઆત કરવા છતાં વકીલ મંડળને બે દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખી ધક્કાઓ ખવડાવનાર કાલાવડ પોલીસ તથા એસ.પી. જામનગરનાઓને જોડી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ભોગ બનનાર એડવોકેટ અર્જુન ઠેસીયાએ કરેલી પીટીશન અન્વયે કાલાવડ પોલીસને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન છૂટતા ઘણા સમયથી મનમાની ચલાવનાર કાલાવડ પોલીસમાં અને કાલાવડ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
બનાવની હકીકત જોઈએ તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાલાવડ બાર એસોસિએશનમાં સિનિયર એડવોકેટ તરીકે વર્ષોથી કામગીરી કરી રહેલા પબ્લીક નોટરી દામજીભાઈ ઠેસીયાના પુત્ર અર્જુન ઠેસીયા પણ વકીલાતના વ્યવસાય અર્થે જોડાયેલા હોય અને કાલાવડ બાર એસોસિએશનના સભ્ય હોય જેઓએ તેઓના અસીલ વતી કાલાવડ મામલતદાર કચેરીમાં કરેલી અરજ, અહેવાલને લાંબો સમય વીતી જવા છતાં નકલ ન મળતાં મામલતદાર કચેરીના કલાર્ક જયદીપ શંભુદાન ગઢવી લાંબા સમયથી ધક્કા ખવડાવતા હોય અને સરકારી ફરજનું બકીંગ કરી સરકારી નોકરિયાતને ન શોભે તે રીતે વર્તી રહેલ હોય જેથી ભોગ બનનાર વકીલે મામલતદાર કાલાવડને રજૂઆત કરતાં તેનો ખાર રાખી જયદીપ ગઢવીએ ઉશ્કેરાટમાં આવી એડવોકેટ અર્જુન ઠેસીયાને બેફામ ભુંડી ગાળો આપી હુમલો કરી ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનેલ બનાવની ફરિયાદ કરવા ભોગ બનનાર એડવોકેટ તા. 21-11-2024ના ટાઉન પોલીસ સ્ટેશનમાં પી.આઈ.ને મળી રજૂઆત કરવા છતાં ફરિયાદ નોંધેલી નહીં અને બીજે દિવસે બપોરે આવવા જણાવતા કાલાવડ બાર એસોસિએશન દ્વારા પોલીસના આવા કૃત્યને વખોડી કાઢી ઠરાવ કરી બાર એસોસિએશન પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયેલા હોવા છતાં ખુલ્લેઆમ ગુન્હો આચરનાર કલાર્ક જયદીપ શંભુદાન ગઢવીને છાવરવા પાછળનું કાલાવડ પોલીસનું કોઈ અંગત હિત સમાયેલું છે કે કેમ, કારણ કે પોલીસ હકુમતના ગુન્હાની તાત્કાલિક ફરિયાદ લઈ ગુન્હો નોંધવા સંબંધે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવહેલના કરી વકીલ મંડળને દિવસો સુધી ધક્કાઓ ખાવડાવી ગુન્હો દાખલ ન કરનાર કાલાવડ પોલીસ અને જામનગરના એસ.પી. સહિતનાઓને સામાવાળા તરીકે જોડી અર્જુન ઠેસીયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ વિરૂદ્ધ પીટીશન ફાઈલ કરેલી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉપરોક્ત વિગતે કરેલી પીટીશન ચાલવા પર આવતા કરવામાં આવેલી રજૂઆતો, રેકર્ડ પરની હકીકતો લક્ષે લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા. 19-3-2025ના રોજ કાલાવડ પોલીસ વિરૂદ્ધ આગામી તા. 28-4-2025ના પોલીસ ઈન્સ્પેકટર કાલાવડનાઓને હાજર રહેવા નોટીસ ઈસ્યુ કરતા કાલાવડ પોલીસ તથા કાલાવડ શહેરમાં પોલીસના આવા પ્રકારના કૃત્યોના કારણે ચર્ચાનો વિષય બની ગયો છે. ઉપરોક્ત કામમાં અરજદાર એડવોકેટ અર્જુન ઠેસીયા વતી હાઈકોર્ટના એડવોકેટ પ્રતિક જસાણી તથા રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.