આજે એસો.ના પ્રમુખ સહિતના સભ્યો CJIને મળશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે, જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
આ મામલે આજે (28 ઓગસ્ટ) ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેમજ વકીલ એક્તા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત કમિટીના અન્ય સભ્ય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી પર રોક લગાવવા માટે રજૂઆત કરશે. ઈઉંઈંએ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની કમિટીને મળવા માટે બપોરે 1.50નો સમય ફાળવ્યો છે.
હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ઉપપ્રમુખ વિરાટ પોપટે જણાવ્યું કે હાઇકોર્ટમાંથી નામદાર જજની ટ્રાન્સફરનો ઓર્ડર આવે એનાથી બાર નારાજ છે. એટલે જનરલ બોડીમાં વકીલોએ કામથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હાઇકોર્ટના ડેલિગેશનને મળવાનો સમય આપ્યો. એ બાબતે ચર્ચા કરવામાં આવી. આજની મિટિંગમાં પણ જનરલ બોડીએ એવો નિર્ણય લીધો છે કે જૂનો જનરલ બોડીનો નિર્ણય ચાલું રહેશે અને બીજી ચર્ચા વિચારણા આવતીકાલે થશે.
- Advertisement -
હાઇકોર્ટની રજિસ્ટ્રીમાંથી ફાઇલો ગુમ થવાના કેસમાં જસ્ટિસ સંદીપ ભટ્ટે રજિસ્ટ્રી સામે નારાજગી વ્યકત કરી હતી. તેમણે હુકમમાં ઠેરવ્યું હતું કે બે વર્ષ પહેલાં રજિસ્ટ્રીમાં સીસીટીવી નાખવાનો હુકમ કર્યો હોવા છતાં બે વર્ષે પણ સીસીટીવી નાખવામાં આવ્યા નથી. જો સીસીટીવી નાખ્યા હોય તો ફાઇલો ગુમ થવાના કેસમાં ઝડપથી ઉકેલ મળી શકયો હોત.
બહુચર્ચિત ઇશરત જહા નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇની તપાસ સોંપવાનો હુકમ કરનાર જસ્ટિસ જયંત પટેલને ચીફ જસ્ટિસ બનવાની પાત્રતા માટે માંડ 15 દિવસ બાકી હતા, ત્યારે તેમની બદલી અલાહાબાદ હાઇકોર્ટમાં કરી દેવામાં આવી હતી. અલાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરતાં જસ્ટિસ જયંત પટેલે રાજીનામું આપી દીધું હતં. કોરોનાકાળમાં રેમડેસિવિર ઇન્જેકશનોનાં કાળાં બજાર મામલે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે તેમના હુકમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને અન્ય રાજકીય નેતાઓ સામે નારાજગી વ્યકત કરી હતી. ત્યાર બાદ તેમની મદ્રાસ હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.