ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી મામલે બંનેએ મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાનની ડિગ્રી માગવાના મામલે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અઅઙના નેતા સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. બન્ને સામે મેટ્રો કોર્ટે સમન્સ નિકાળતા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સેશન્સ કોર્ટે અરજી નકારતા બન્નેએ હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં અને અરજી કરી સમન્સ રદ કરવા અને સ્ટે આપવા માગ કરી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી છે. હવે મેટ્રો કોર્ટમાં જ ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલે હાજર થવું પડશે.
કેજરીવાલ અને સિંજયસિંહ મુખ્યત્વે સમન્સ રદ કરવા અને સ્ટે આપવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ અરજીમાં જે પ્રમાણે રજૂઆતો કરાઈ હતી, તેમાં જો આ અરજી હાઈકોર્ટ મંજૂર કરે તો મેટ્રોમાં ટ્રાયલ રદ થાત. અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહના વકીલ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે બદનક્ષીનો કેસ રદ કરવા માટેની ક્વોશિંગ પિટિશન આજે હાઇકોર્ટે નકારી દીધી છે. બંને અરજદારોએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જે વાત કરી હતી તે યુનિવર્સિટીના સંદર્ભમાં કરી નહોતી. અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં જે વડાપ્રધાનની ડીગ્રી બતાવી હતી તે ખોટી છે કે કેમ તેની વાત કરી હતી. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પબ્લિક સર્વન્ટ હોવાથી તેઓએ ફરિયાદ નોંધાવા સેશન્સ કોર્ટમાં જવું પડે, તેઓ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જઈ શકે નહીં. સ્ટેટની વ્યાખ્યા આર્ટીકલ 12માં આપેલી છે. સંજયસિંહે તેમના ટ્વીટર હેન્ડલ ઉપર વીડિયો અપલોડ કર્યો જ નથી. વળી યુનિવર્સિટી દ્વારા જે વીડિયો મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, તે ટૂકડામાં છે અને નિયમો વિરુદ્ધ પૂરાવા આપવામાં આવ્યા છે.
- Advertisement -
ગુજરાત યુનિવર્સિટી 2016માં ગુજરાત હાઇકોર્ટ ગઈ હતી
અરવિંદ કેજરીવાલે ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર પાસે વડાપ્રધાનની ડીગ્રી જોવા માગી હતી. જેથી ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાનની ડીગ્રી અરવિંદ કેજરીવાલને બતાવવા આદેશ આપ્યો હતો. જેની સામે યુનિવર્સિટી 2016માં ગુજરાત હાઇકોર્ટ ગઈ હતી. ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2023માં ચુકાદો આપ્યો હતો. જેમાં યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર વડાપ્રધાનની ડીગ્રી ઉપલબ્ધ હોવાથી અરવિંદ કેજરીવાલને બતાવવાની જરૂર નહીં હોવાનો આદેશ આપ્યો હતો.
અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો
હાઈકોર્ટના આદેશના બીજા જ દિવસે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેની અંદર તેઓએ વડાપ્રધાન ડીગ્રી નહીં બતાવતા હોવાથી તેમનામાં અહંકાર છે અથવા તો ડીગ્રી નકલી હોય શકે તેમ જણાવ્યું હતું. આ વીડિયો ટ્વીટર ઉપર અપલોડ કરાતા ગુજરાત યુનિવર્સિટીએ બંને સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો. યુનિ.નું કહેવું હતું કે, કેજરીવાલ અને સંજયસિંહના નિવેદનથી એવી છાપ ઊભી થાય છે કે ગુજરાત યુનિવર્સિટી નકલી ડીગ્રીઓ આપે છે.