ગોલ્ડમેન સાક્સનો રિપોર્ટ: ભારતમાં પ્રીમિયમ કાર, લકઝરી આઇટમ્સ અને ઘર ખરીદનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે
ક્રેડિટ કાર્ડની સંખ્યા બમણી થઇને 8.5 કરોડ: 2027 પહેલા 10 કરોડ લોકો સમૃધ્ધ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં પ્રીમિયમ કાર, ઘર, ઘરેણાં અને લક્ઝરી વસ્તુઓ ખરીદી શકે તેવા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. કાર્યકારી વયની વસ્તીના લગભગ ચાર ટકા એવા છે જેમની માથાદીઠ આવક 10 હજાર ડોલર એટલે કે વાર્ષિક 8 લાખ 28 હજાર રૂપિયાથી વધુ છે જયારે ભારતની માથાદીઠ આવક વાર્ષિક 1,74,000 રૂપિયાની આસપાસ છે. ગોલ્ડમેન સાક્સના ‘ધ રાઇઝ ઓફ અફલુઅન્ટ ઇન્ડિયા’ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ‘સમૃધ્ધ ભારત’ના આ ટોચના ગ્રાહક જૂથમાં લગભગ છ કરોડ લોકો છે. રિપોર્ટમાં ટેક્સ ફાઇલિંગ, બેંક ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડ અને બ્રોડબેન્ડ કનેક્શનના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2019 અને 2023 ની વચ્ચે, શ્રીમંત લોકોની સંખ્યામાં વાર્ષિક 12.6 ટકાના દરે વધારો થયો હતો, જયારે કાર્યકારી વયની વસ્તી વાર્ષિક 1.4 ટકાના દરે વધી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જો આ ગતિ ચાલુ રહેશે તો વર્ષ 2027માં આ ‘સમૃધ્ધ ભારત’માં સામેલ ગ્રાહકોની સંખ્યા 10 કરોડ સુધી પહોંચી જશે. નાણાકીય વર્ષ 2019 થી 2023 વચ્ચે ઇક્વિટી, ગોલ્ડ અને પ્રોપર્ટીના મૂલ્યમાં મોટો વધારો થયો હતો. સંપત્તિ વધારવામાં સૌથી મોટો ફાળો શેરબજાર અને સોનાનો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતીય શેરબજારની માર્કેટ કેપ છેલ્લા ત્રણ વર્ષમાં 80 ટકાથી વધુ વધી છે. 2020-23દ્ગક વચ્ચે સોનાની કિંમતમાં 65 ટકાનો વધારો થયો છે. તેના કારણે ઈક્વિટી અને સોનામાં ભારતીયોની કુલ હોલ્ડિંગનું મૂલ્ય 149 લાખ કરોડ રૂપિયાથી વધીને 223 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. 2019 અને 2023 વચ્ચે પ્રોપર્ટી વેલ્યુમાં 30 ટકાથી વધુનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 15-19માં માત્ર 13 ટકાનો વધારો થયો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પરિવારો વિશ્ર્વમાં લગભગ 10 ટકા ભૌતિક સોનાના માલિક છે, એટલે કે તેમની પાસે લગભગ 25 હજાર ટન સોનું છે. 2019 અને 2023 ની વચ્ચે તેનું મૂલ્ય 91 લાખ કરોડ રૂપિયાથી વધીને 149 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘સમૃધ્ધ ભારત’ની સંપત્તિ વધારવામાં તેનો મોટો ફાળો હતો.