ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાના કરોડો એન્ડ્રોઈડ યુઝર્સ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમની ગંભીરતાને ધ્યાનમાં લેતા ગૂગલે યુઝર્સ માટે અર્જન્ટ વોર્નિંગ જાહેર કરી છે.
હેર્મિટ નામના માલવેરે ગૂગલને ચિંતિત કરી દીધું છે. એક અહેવાલ મુજબ હેકર્સ હેર્મિટ માલવેર મારફત એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સને ફેક એપની જાળમાં ફસાવીને તેમના ફોનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે છે. ગૂગલે ચેતવણી આપી છે કે હેર્મિટ માલવેર મારફત હેકર દ્વારા યુઝર્સના ફોનમાં સેવ ડેટા ચોરીનું જોખમ છે. હેકર્સ તેના મારફત સરળતાથી યુઝરના કોલ લોગ અને ફોટો એક્સેસ કરી શકે છે. એટલું જ નહીં, હેર્મિટ અને ફેક એપની મદદથી હેકર ફોન કોલ્સને પણ પોતાની મરજી મુજબ રીડાયરેક્ટ કરી શકે છે. એન્ડ્રોઈડ યુઝર્સ પર આવેલી આ નવી આફત સૌથી પહેલાં લૂકઆઉટની ટીમે પકડી હતી. હવે ગૂગલે પણ તેની પુષ્ટી કરી છે. ગૂગલે કહ્યું કે તે આ ખતરનાક બગને મોનિટર કરી રહ્યું છે. કંપની આ બગના શિકાર થઈ ચૂક્યા હોય તેવા યુઝર્સને તેની માહિતી પણ આપી રહી છે. એન્ડ્રોઈડ યુઝર્સ કોઈ અજાણ્યા સોર્સથી કોઈપણ એપ ડાઉનલોડ ન કરે તે વધુ સારું હશે તેમ ગૂગલે કહ્યું છે.
- Advertisement -
એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં આ માલવેરના પહોંચવા માટે હેકર ’ડ્રાઈવ બાય’ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં યુઝર્સને નકલી ટેક્સ્ટ મેસેજ મોકલીને કહેવામાં આવે છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને યુઝ કરતા રહેવા માગતા હોય તો તેને તુરંત અપડેટ કરી લે. ત્યાર પછી હેકર ખૂબ જ ચાલાકીથી યુઝરના ફોનમાં નકલી એપ ઈન્સ્ટોલ કરી દે છે અને યુઝરને તેની જાણ પણ થતી નથી.