સરકાર થકી નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત નાટ્યગૃહમાં અનેક સુવિધાઓ વધારાઈ
નવી આરામદાયક ખુરશી મુકાઈ, મુખ્ય અને મીની એમ બંને થીયેટરમાં નવી કાર્પેટ
નવી અદ્યતન સાઉન્ડ અને લાઈટ સીસ્ટમ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઇ રાજકોટને આપ્યું વધુ એક નઝરાણું: પત્રકાર પરિષદમાં માહિતી આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા
ખાસ-ખબર સંવાદદાતા
માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં નાટ્ય મંચન કે પછી અન્ય કાર્યક્રમો માટે બધાનું માનીતું હેમુ ગઢવી નાટ્યગૃહે હવે નવા રંગરૂપ ધારણ કર્યા છે અને હવે ટૂંક સમયમાં અહી કાર્યક્રમો પણ શરુ થઇ જશે. રાજ્ય સરકાર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુ ગઢવી નાટ્ય ગૃહનું આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હવે કલાકારો ઉપરાંત દર્શકોને વધુ સુવિધા સાથેનું નાટ્યગૃહ ઉપલબ્ધ બન્યું છે.આ અંગે વિશેષ માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદના બોલતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટ્યગૃહ નમૂનારૂપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતું અને આજે અમને આનંદ છે કે, આ નાટ્ય ગૃહ રાજકોટની કલા પ્રેમી જનતાની સેવા કરવા માટે તૈયાર છે.
ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેમુ ગઢવી નાટ્યગૃહના બંને થીયેટર છેલ્લાં 18 માસથી બંધ હતા પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મોટાભાગે તા. 18 મી સપ્ટેમ્બરથી આ નાટ્યગૃહનું બુકિંગ શરુ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, નવીનીકરણ પામેલા આ નાટ્યગૃહમાં આરામદાયક ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે. બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે. આ ઉપરાંત નવું કલરકામ, ગ્રીન રૂમમાં નવી સુવિધા, સ્ટેજ લાઈટ, એર કંડીશન સીસ્ટમ, એક્રોલીક વોલ પેનલિંગ અને એકોસ્ટિક સિલિંગ, સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ, વોટર પ્રુફીંગ, નવી બુકિંગ ચેમ્બર, સહિતની અનેક નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
- Advertisement -
તેમણે ઉમેર્યું હતું કે, આ નવા અદ્યતન મેઈન થીયેટરનું ભાડું 10 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. આ જ રીતે મીની થીયેટરમાં 4 હજાર રૂપિયા ભાડું અને 12 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. ભાડા ઉપરાંત લેવાયેલી રકમમાંથી બિલ્ડીંગ જાળવણી, વીમો, હાઉસ ટેક્સ, લાઈટ-એ.સી.ઓપરેટીંગ ચાર્જ, માઈક, જનરેટર ઓપરેટીંગ ચાર્જ, સિક્યોરીટી ચાર્જ, વોટર ચાર્જ અને ગ્રાઉન્ડ ભાડું વસુલવામાં આવશે. આ નાટ્યગૃહ માટે સવારે 8 થી 1, બપોરે 2 થી 7 અને રાત્રે 8 થી 1 એમ ત્રણ શિફ્ટ માટે ભાડે આપવામાં આવશે. બુકિંગનો સમય સવારે 9 થી 1 અને 4 થી 7 નો રહેશે. કોઈ પૂછપરછ માટે ફોન નંબર 2465994 ઉપર સંપર્ક કરવાનો રહેશે. જો કે, બુકિંગ ફોન ઉપર નહી કરવામાં આવે અને નિયત ફોર્મ ભર્યું હશે તેનું બુકિંગ જ માન્ય ગણવામાં આવશે.
આ નાટ્યગૃહમાં કાર્યક્રમ યોજવા ઈચ્છતા લોકોએ મંડપ, ડેકોરેશન અને કેટરિંગની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ વ્યવસ્થા હેમુ ગઢવી નાટ્યગૃહના સંચાલક દ્વારા કરવામાં આવતી નથી તેમ જણાવતા ગુણવંતભાઈએ ઉમેર્યું હતું કે, લાઈટ, સાઉન્ડની વ્યવસ્થા ઉપલબ્ધ છે પણ જો કોઈને વધારાની જરૂરિયાત હોય તો બહારથી વ્યવસ્થા કરવાની રહેશે. ગ્રાઉન્ડમાં જમણવાર માટે લાઈટની વ્યવસ્થા ઉપલબ્ધ નથી તેથી આ વ્યવસ્થા બુકિંગ કરનાર પાર્ટીએ કરવાની રહેશે. જો જનરેટર મગાવવાનું થાય તો બુકિંગ કરાવનારે પોતે તેની વ્યવસ્થા કરવાની રહેશે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સતત માર્ગદર્શન આપીને આ નવીનીકરણને અંતિમ રૂપ આપ્યું છે ત્યારે તેની યોગ્ય રીતે જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે. રાજ્ય સરકારે સરગમ કલબને છેલ્લાં 21 વર્ષથી આ નાટ્યગૃહનું સંચાલન સોપ્યું છે અને તાજેતરમાં જ વધારાના 10 વર્ષ માટે રીન્યુ કરી આપ્યું છે ત્યારે સરગમ કલબ શહેરની કલાપ્રેમી અને જુદી જુદી સંસ્થાઓનો આભાર પણ માને છે.
- Advertisement -
આ નાટ્યગૃહનાં નવીનીકરણમાં રાજ્ય સરકારના રમત ગમત અને યુવક સેવા સંસ્કૃતિક વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ ( આઇએએસ) ઉપરાંત યુવક સેવા વિભાગના કમિશનર પી.આર.જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાઘેલા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા, પી.ડબલ્યુ.ડી (શહેર માર્ગ મકાન વિભાગ)ના કાર્યપાલક ઈજનેર નિતેશ કે.કામદાર, નાયબ કાર્યપાલક ઈજનેર રાજેશ્વરી નાયર, મદદનીશ ઈજનેર પારસ કોઠીયા વગેરેએ સતત જહેમત ઉઠાવી હતી.આ નાટ્યગૃહના મેનેજર તરીકે ભરતભાઈ સોલંકી તથા રાજેન્દ્રભાઈ શેઠ (ઇન્ચાર્જ) અને જયસુખભાઈ ડાભી (સહ ઇન્ચાર્જ) તરીકે સેવા આપશે. સંપૂર્ણ જવાબદારી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંભાળશે.
આ પત્રકાર પરિષદમાં સરગમ ક્લબના ચેરમેન વજુભાઈ વાળા સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત સરગમ પરિવારના ચેરમેન-માર્ગદર્શક વજુભાઈ વાળા, અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ ઉકાણી. સ્મિતભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, ટ્રસ્ટીઓ ખોડીદાસભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, અરવિંદભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, વિનોદભાઈ પંજાબી, જયેશભાઈ વસા, શિવલાલભાઈ રામાણી ઉપરાંત નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, લલીતભાઈ રામજીયાની, કિરીટભાઈ આદ્રોજા, મનસુખભાઈ મકવાણા,. રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકિયા, અલ્કાબેન કામદાર, છાયાબેન દવે મધુરિકાબેન જાડેજા, મિતેનભાઈ મહેતા, ગીતાબેન હિરાણી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ અને જયસુખભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.