હવે ટૂ-વ્હિલર લઇ નીકળતા પોલીસ કર્મી ઉઘાડા માથે જોવા નહીં મળે!
પોલીસ મથકોના દરવાજે પણ ટ્રાફિક પોલીસ કે ટીમ ગોઠવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરવાસીઓ માટે હજુ એકાદ માસ તા.8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત બનાવાશે. જો કે પહેલાં ઘરેથી જ શરૂઆતની પરંપરા મુજબ પોલીસ કર્મચારીઓ માટે આજે રક્ષાબંધનથી જ પોલીસ ભાઈઓ-બહેનો માટે ટ્રાફિક શાખાના મહિલા ડીસીપી પૂજા યાદવે હેલ્મેટ ફરજિયાત કરી છે. રાજકોટ શહેર પોલીસ માટે હવે હેલ્મેટ ફરજિયાતના કરાયેલા નિયમમાં 2500 જેટલા પોલીસ કર્મચારીઓ, 650 જેટલા હોમગાર્ડ તથા 750 જેટલા ટીઆરબી સહિતનાનો સમાવેશ થશે. ટૂ-વ્હિલર લઈને નીકળનારા પોલીસ કર્મીઓ ઉઘાડા માથે નીકળશે તો દંડાશે.
અત્યાર સુધી તો ચાલ્યું પરંતુ પોલીસ કર્મીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવી પડશે. હાલમાં પોલીસ કમિશનર કચેરી તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવાગમન કરતા પોલીસ સ્ટાફ માટે તો હેલ્મેટ ફરજિયાત હતી અને ન પહેરેલાઓને સ્થળ પર હાજર શુલ્ક વસુલી કે મેમો અપાયેલા છે. હવે દરેક પોલીસ મથકો, શાખાઓના કર્મચારીઓ ઉઘાડા માથે નીકળી નહીં શકે. તેઓએ પણ હેલ્મેટ પહેરવું પડશે. પોલીસ મથકોના દરવાજે પણ ટ્રાફિક પોલીસ કે ટીમ ગોઠવાશે. રસ્તા પર કે આવા પોઈન્ટ્સ પર ચેકિંગમાં રહેલી ટીમો જો ટૂ-વ્હિલર સવારે ખાખી ડ્રેસ પહેરેલો હોય અને હેલ્મેટ ન હોય તો ઓળખી શકાય કે પોલીસ છે. જો ડ્રેસ વિના સાદા પહેરવેશમાં નીકળશે તો ઓળખવા મુશ્કેલ રહેશે. કમસેકમ આવા પોલીસ કર્મીઓ ધ્યાને ન પડે તો સામાન્ય જન માનીને પોલીસને પણ હેલ્મેટમાંથી એકાદ મહિનો સુધી આડકતરી મક્તિ મળી શકશે.