રેઇનકોટ પહેરવો કે હેલ્મેટ પહેરવું તેવા પ્રશ્ર્નો વાહન ચાલકોએ ઉપસ્થિત કર્યા
વરસતા વરસાદમાં પણ વાહનચાલકોને દંડવા પોલીસ મેદાનમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવું ફરજીયાત કર્યું છે. ત્યારે રાજકોટમાં હેલ્મેટનો જબરો વિરોધ છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ વિભાગે હેલ્મેટ ડ્રાઈવનો કડક અમલ શરૂ કર્યો છે. પોલીસ કમિશનરના આદેશ અનુસાર હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનને સફળ બનાવવા માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા લોકોએ પોલીસને રોકડું પરખાવ્યું હતું કે, પહેલાં રસ્તા સરખા કરો પછી દંડ લેજો. બીજી બાજુ એવી ચર્ચા પણ ચાલી રહી કે, આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમે ભાજપને મત નહીં આપીએ.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમે ભાજપને મત નહીં આપીએ: લોકોમાં એક જ ચર્ચા
- Advertisement -
હેલ્મેટના કાળા કાયદાથી કોંગ્રેસ-અઅઙને ફાયદો થશે: શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 500થી વધુ પોલીસ જવાનો ખડેપગે
પ્રજા રાજ્ય સરકારના આ કાયદાથી નાખુશ છે. જો કે, આ કાયદાથી કોંગ્રેસ અને આપને ફાયદો થશે. રાજકોટ શહેરમાં 48 સર્કલ પર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઇવ આજે સવારથી શરૂ કરવામાં આવી છે. જેમાં સવારે 9થી 12 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી ચેકિંગ કરવામાં આવશે. રૈયા ચોક, હનુમાન મઢી ચોક, બહુમાળી ભવન, એસ્ટ્રોન ચોક, કિશાનપરા ચોકમાં પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. જેના માટે અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જોકે આજે હેલ્મેટ ડ્રાઇવને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઘણા ટુ વ્હીલર ચાલકો આજે ઘરેથી હેલ્મેટ પહેરી નીકળ્યા હતા. જોકે અનેક લોકો આજે પણ હેલ્મેટ પહેર્યા વિના નીકળ્યા હતા. વરસાદને કારણે રેઇનકોટ પહેરવો કે હેલ્મેટ પહેરવું તેવા પ્રશ્ર્નો વાહન ચાલકોએ ઉપસ્થિત કર્યા હતા. હેલ્મેટ ન પહેરવા બદલ અનેક લોકોએ રૂપિયા 500નો દંડ પણ ભરવો પડ્યો હતો.
રૈયા ચોકડીએ ખાડામાં પેચવર્ક, રીસર્ફોસિંગ, મોરમ પાથરવાની કામગીરી શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રૈયા ચોકડીએ વરસાદને કારણે રસ્તા પર પડેલા ખાડામાં પેચવર્ક, રીસફેર્સિંગ, મોરમ પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં મેઘરાજાએ ડામર રોડના નબળા કામનો પર્દાફાશ કરી નાખ્યો છે. જેમાં ગેરેન્ટેડ રોડમાં પણ ગાબડાઓ પડી ગયા છે. હાલ એકપણ રસ્તો એવો નહીં હોય કે, ત્યાં ખાડા નહીં હોય ત્યારે આજે મહાનગરપાલિકાના સત્તાધીશોએ રસ્તા પર પેચવર્ક, રીસફેર્સિંગ, મોરમ પાથરવાનું શરૂ કર્યું છે.