દરેક સ્વાતંત્ર્ય પર્વના દિવસે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારોને યાદ કરી તેમનું સન્માન કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
દર વર્ષે 15મી ઓગષ્ટ કે 26મી જાન્યુઆરી આવે ત્યારે દેશને આઝાદ કરવા પાછળ અને આઝાદી અપાવવા હજારો સ્વાતંત્ર્ય વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. આવા સ્વાતંત્ર્ય વીરોને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય પર્વના દિવસે સરકાર અચુક યાદ કરે છે. હાલ સરકાર તરફથી આવા સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારોને (વારસદારોને) આજે પણ 15મી ઓગષ્ટ હોય કે 26મી જાન્યુઆરીના દિવસે શાલ ઓઢાડી તેમનું ધ્વજવંદન બાદ સન્માન કરવામાં આવે છે.
- Advertisement -
રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની શુભેચ્છક પરિવાર દ્વારા ડો. ઓમ પ્રકાશને બુકે આપી તેમની સાથે તમામ પરિવારના સભ્યોએ પોતાના માતા કે પિતા જે લોકોએ દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો તેમને યાદ કરી અંગ્રેજોની ગુલામીની વાસ્તવિક્તાનો ચિતાર કલેકટર સમક્ષ રજૂ કર્યો હતો. ભૂતકાળના સ્વાતંત્ર્ય સેનાનીના સંસ્મરણો વાગોળ્યા હતા અને જેલવાસ ભોગવ્યાની દાસ્તાન રજૂ કરતા એક તબક્કે કલેકટર પણ ભાવવિભોર બની ગયા હતા. દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની શુભેચ્છક પરિવાર દ્વારા (એટલે કે, સ્વાતંત્ર્ય સેનાનીના વારસદારો) નિવાસી અધિક કલેકટર એ.કે. ગૌતમને પણ મળ્યા હતા અને દેશની આઝાદી પાછળ વીરોના બલિદાન અને પ્રાણોની આહુતિ અંતર્ગત વાતચીત કરી હતી. આ તબક્કે નિવાસી અધિક કલેકટર આલોક ગૌતમે તમામ સ્વાતંત્ર્ય સેનાની પરિવારના સભ્યો, વારસદારોને કોઇપણ પડતર પ્રશ્ર્નો, મુશ્કેલી બાબતે મળવા જણાવાયુ હતુ. સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારો પ્રત્યેની કામગીરી, સંવેદના અને લાગણી વ્યકત કરવામાં આવી હતી. ઉપરોકત શુભેચ્છા મુલાકાતમાં અશ્ર્વિનભાઇ વિઠ્ઠલાણી, સુશીલ ત્રિવેદી, નવિનભાઇ પૂજારા, વિપુલભાઇ માઢક, કાર્તિકભાઇ દવે, જયશ્રીબેન જોશી, હર્ષાબેન ગાંધી, ઉમાબેન દવે સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારના સભ્યો (વારસદારો) ઉપસ્થિત રહ્યા હતા.