ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ ઉપક્રમે હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયે શસ્ત્રપુજન કરાયુ
શસ્ત્ર સાથે શાસ્ત્ર પુજન એ શક્તિ અને સાધનાનો સ્ત્રોત: માંધાતાસિંહ: રાજપરીવાર દ્વારા રણજીતવિલાસ પેલેસ ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ક્ષત્રિય પર્વ વિજયાદશમી નિમિતે રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજની સામુહિક શસ્ત્ર પુજન સાથે વરસતા વરસાદે ભવ્ય શોર્ય શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પરથી નીકળી હતી. ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ રાજકોટ દ્વારા આયોજીત શસ્ત્ર પુજન- શોભાયાત્રા પ્રસંગે રાજકોટ રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ ક્ષત્રિય સમુદાયને જણાવ્યુ હતુ કે શસ્ત્ર સાથે શાસ્ત્ર પુજન પણ પ્રવર્તમાન યુગ અને ભાવિ પેઢી માટે અતિઆવશ્યક છે. શસ્ત્ર એ ક્ષાત્રની ભુજાબળ શક્તિપ્રેરક સ્ત્રોત છે આવી જ રીતે શાસ્ત્ર પુજનથી માં સરસ્વતી, જ્ઞાનની સાધનાની ઉર્જાનો સ્ત્રોત છે આમ શક્તિ અને સરસ્વતીનો સંયોગ ખૂબ જ અગત્યનો છે. ક્ષત્રિયોએ શસ્ત્ર બળ સાથે જ્ઞાન બળમાં પણ એટલુ જ સક્ષમ બનવું પડે, ક્ષત્રિયો સમગ્ર સમાજને સાથે લઈને વિકાસના પથ પર ચાલનારા ગુણો સાથેનો સમાજ છે. વિજયાદશમી પર્વને અનુલક્ષી કાર્યક્રમનો હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતેથી આરંભ થયો હતો. શહેરભરમાંથી તેમજ નજીકના ગામોમાંથી પંરપંરાગત પોશાકો, શસ્ત્રો સાથે વિશાળ સંખ્યામાં યુવાનો, ભાઈઓ, વડીલો હાજર રહ્યા હતા. છાત્રાલય ખાતે ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે હાજર સૌ કોઇને સામુહિક શસ્ત્ર પુજન કરાવાયુ હતુ.
શસ્ત્રપુજન બાદ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતેથી રાજકોટ રાજપરિવારની ત્રણ પેઢી માંધાતાસિંહ, યુવરાજ જયદિપસિંહ (રામરાજા) તેમજ શિવાત્મજયસિંહની આગેવાનીમાં રાજપુતી પોષાકોમા માં જગંદબાના નાદ સાથે વરસતા વરસાદે અંદાજે 2000થી વધારેની સંખ્યામાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શિસ્ત બધ્ધ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પરથી પેલેસ રોડ સ્થિત આશાપુરા માતાજીના મંદિર ખાતે પહોચી હતી જ્યા પુજન વિધિ કરાઇ હતી. ત્યારબાદ રાજકોટ પેલેસ ખાતે બહોળી સંખ્યામાં હાજર ક્ષત્રિય સમુદાયની વચ્ચે રાજપરીવાર આયોજીત શસ્ત્ર, શાસ્ત્ર, અશ્વ, વાહન પુજન વિધિ ભુદેવોના મંત્રોચાર સાથે યોજાઇ હતી. રણજીતવિલાસ પેલેસ ખાતે હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજીના કૌશલ્ય રજુ કર્યા હતા. હવામાં છન છન વિંઝાતી તલવારો કાંડાના કૌવતે થોડી ક્ષણોનો હાજર બહોળા સમુદાયને યુધ્ધ સમરાગંણમાં વિઝાંતિ તલવારોની પ્રતિતિ કરાવી હતી. તલવારબાજીના કૌશલ્યની છાત્રોને વિરેન્દ્રસિંહ જાડેજા (પાળ) દ્વારા તાલિમ અપાઈ હતી. આ પ્રંસગે ખાસ રાણી કાદંબરીદેવી, રાજકુમારી મૃદુલાકુમારી, યુવરાણી શીવાત્મિકાદેવી તેમજ રાજપરીવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્ર પુજન શોભયાત્રાના આ અવસરમાં ઠાકોર માંધાતાસિંહ જાડેજા સાથે સમાજના અગ્રણી તથા ક્ષત્રિય સમાજના જાહેર ક્ષેત્ર તથા સંસ્થાના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા બદલ ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલની કાર્યવાહક સમિતિ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી હર હંમેશ સામાજીક કાર્યક્રમોમાં સૌનો સાથ સહયોગ મળતો રહેશે તેવી અપીલ કરાઇ હતી.