ટિહરીના ઘનસાલીમાં બાલગંગા નદીમાં દુકાનો ધ્વસ્ત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
દેશના અનેક ભાગોમાં વરસાદને કારણે ગંભીર સ્થિતિ છે. ભારતીય હવામાન વિભાગે ((IMD) શનિવારે 27 જુલાઈએ 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.
આ તરફ હવામાન વિભાગે મહારાષ્ટ્રના 8 જિલ્લા પુણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા, ચંદ્રપુર, ગોંદિયા અને ગઢચિરોલીમાં શનિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
- Advertisement -
આ તરફ રાજ્યના ઘણા ભાગોમાં પણ પૂર જેવી સ્થિતિ છે. 2700 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2200 લોકો નવસારીના અને 500 લોકો તાપી જિલ્લાના છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે યમુનોત્રી ધામના બંને ગરમ કુંડ કાટમાળથી ભરાઈ ગયા છે. મંદિરની ઓફિસ અને રસોડું ધરાશાયી થઈ ગયું છે, મંદિર તરફ જતો ફૂટબ્રિજ પણ ધોવાઈ ગયો છે.
યમુનોત્રી મંદિરને પણ ભારે કાટમાળ અને પથ્થરોથી નુકસાન થયું છે. જાનકીચટ્ટી-યમુનોત્રી પગપાળા માર્ગ પર રામ મંદિર પાસેના રજીસ્ટ્રેશન સેન્ટરને નુકસાન થયું છે.
મહારાષ્ટ્રના નવી મુંબઈના શાહબાઝમાં ભારે વરસાદ વચ્ચે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. અકસ્માતમાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. તેમાંથી એકનું મોત થયું હતું, જ્યારે બે લોકોનો આબાદ બચાવ થયો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે. આ ઘટના શનિવારે સવારે 4.30 વાગ્યે બની હતી.
- Advertisement -
ઉત્તરાખંડના ભીલગાણા બ્લોકના બુધકેદાર વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે બાલગંગા નદીમાં ભારે પૂર આવ્યું હતું, જેના કારણે ગેનવાલી, ટોલી, જખાણા, વિસણ, ટીનગઢ, બુધકેદાર ગામ ધોવાઈ ગયાં. જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. કર્ણપ્રયાગ-ગ્વાલદમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નલગાંવ અને પંતીગાંવમાં વાદળ ફાટવાથી તબાહી સર્જાઈ હતી. નલગાંવમાં વાદળ ફાટવાને કારણે લગભગ 200 મીટરની અંદર કાટમાળ હાઈવે પર પડ્યો હતો.
ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ, સ્કૂલો બંધ
27 જુલાઈએ દહેરાદૂન જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને કારણે હવામાન વિભાગે ધોરણ 1 થી 12 અને આંગણવાડી કેન્દ્રો માટે એક દિવસની રજા જાહેર કરી છે. 26મી જુલાઈની રાત્રે યમુનામાં આવેલા પૂર બાદ યમુનોત્રી ધામની હાલત ખરાબ થઈ ગઈ છે. મંદિર, પાર્કિંગ અને રસોડા જેવા સ્થળોને મોટા પથ્થરોથી નુકસાન થયું છે.
બાલગંગાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, કેટલીક દુકાનો-મકાનો વહી ગઈ
માહિતી અનુસાર, આભ ફાટવાની ઘટના બાદ બાલગંગા નદીએ ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક મકાનો, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં દુકાનો-મકાનો વહી જતાં સ્પષ્ટ દેખાય છે. બુઢાકેદારના તોલી ગામમાં તો ભૂસ્ખલન જેવી ઘટના બનતાં એક મા-દીકરી જીવતાં દટાઈ ગયાં હતાં. સમગ્ર ખીણ વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. મૃતકોની ઓળખ સરિતા દેવી અને અંકિતા તરીકે થઇ હતી. વરસાદ જે રીતે તબાહી મચાવી રહ્યો છે એના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે લોકોની મુશ્ર્કેલીમાં વધારો થયો છે.