નવસારીમાં વહેલી સવારથી ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ: માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હવામાન વિભાગે આજે અને આવતીકાલે એટલે કે 29મી મે સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે જ્યારે કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 114 ટકા વરસાદનું અનુમાન લગાવાયું છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરોમાં અલગ-અલગ સ્થળોએ તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હાલમાં નવસારી જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની કાપણી બાકી છે. આવા સમયમાં પડેલા કમોસમી વરસાદના કારણે કાપણી કાર્યમાં વિઘ્ન ઊભું થયું છે. વરસાદની આ બિનમોસમી એન્ટ્રીથી ડાંગરના પાકને નુકસાન પહોંચવાની આશંકા છે અને તેના ભાવમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવાઇ રહી છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
- Advertisement -
નવસારી શહેર અને સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાર્વત્રિક કમોસમી વરસાદ નોંધાયો છે. આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
ગઈકાલે રાજ્યના 35થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલીના રાજુલા, ધારી, જર, મોરજર, છતડીયા, ખીચા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મહુવા તાલુકામાં તેમજ ગીર પંથકમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદની ઘમાકેદાર શરૂઆત થઈ હતી. તો સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં તેમજ નસવાડીમાં પણ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એને જોતાં ગુજરાતમાં 15 જૂન પહેલાં જ ચોમાસું બેસી જાય એવી શક્યતા છે. હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ 114 ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેતું આવ્યું છે. આ વર્ષે પણ સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે.હવામાનની આગાહી કરતી સ્કાયમેટે એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય જઇ શકે છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે, ચોમાસાને ખરાબ કરનાર અલ નિનો આ વખતે સક્રિય નથી. ચોમાસા દરમિયાન પણ એ સક્રિય થવાની શક્યતા નથી. લા નિનો થોડા સમય માટે એક્ટિવ થઇ હાલ ન્યૂટ્રલ તરફ જઇ રહ્યું છે, જે ચોમાસા દરમિયાન પણ ન્યૂટ્રલ રહેવાની શક્યતા છે. બીજી તરફ ઈન્ડિયન ઓશન ડિપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટિવ થઇ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય. સામાન્ય ચોમાસા પ્રમાણે 103% સાથે દેશમાં સરેરાશ 895 મિમી વરસાદ થઇ શકે છે. આ ચોમાસામાં સરેરાશ વરસાદ સામે 96%થી 104% સાથે સામાન્ય ચોમાસાનું રહેવાની શક્યતા 40% છે, જ્યારે 104%થી વધુ વરસાદની શક્યતા 30% છે, એટલે કે ચોમાસું સામાન્ય કે તેથી સારુ રહેવાની શક્યતા 70% છે, એટલે જ ચોમાસું સારું માનવામાં આવી રહ્યું છે.
આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 114% વરસાદનું અનુમાન લગાવાયું છે
છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં 6 વાર સામાન્ય કરતાં વધુ વરસાદ થયો
રાજ્યમાં 2015થી 2024 સુધીનાં 10 ચોમાસાની સ્થિતિ જોઇએ તો 6 વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે, જ્યારે 4 વખત સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. 2019માં 146.17% સાથે સૌથી વધુ વરસાદ થયો હતો. આ ઉપરાંત 2024માં 143.14%, 2020માં 136.85%, 2022માં 122.09% અને 2023માં 108.16% વરસાદ થયો હતો. બીજી તરફ સૌથી ઓછો 76.73% વરસાદ 2018માં થયો હતો. આ સમયે રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ બની હતી. આ ઉપરાંત 2015માં 81.57%, 2016માં 91.17%, 2021માં 98.48% વરસાદ થયો હતો. 2022થી 2024 સુધીના છેલ્લાં 3 ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઇ ચૂક્યો છે.
આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે 28 મેના રોજ દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.