જૂનાગઢ જિલ્લામાં ખેતી પાક, જમીન ધોવાણ, ખેતરે જવાના રસ્તાનું ભારે ધોવાણ
પાક નુકસાન વળતર સાથે જમીન ધોવાણના વળતરની માંગ
- Advertisement -
જમીન ધોવાણ મુદ્દે ખેડૂત એકતા મંચ ગુજરાત દ્વારા CMને પત્ર લખ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં સત્તત ત્રણ રાઉન્ડ ભારે વરસાદ બાદ સૌથી વધુ તરાજી ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહી છે જેમાં ખેડૂતોના ખેતી પાકને ભારે નુકશાની સાથે ખેતી જમીનનું ધોવાણ થયું છે તેમજ હાલ ખેતરે જવાના રસ્તાઓનું પણ ભારે ધોવાણ થયું છે જેના લીધે ખેડૂતો ખેતી કામ જવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેતી પાકને 30 ટકા નુકશાની માટે ઓનલાઇન અરજી કરવા જાહેર કરવામાં આવ્યું છે પણ હજુ સુધી જમીન ધોવાણ માટે કોઈ જાહેર નહિ થતા ખેડૂત એકતા મંચ ગુજરાતના પ્રમુખ મહમદ સીડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જમીન ધોવાણ માટે ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે. જમીન ધોવાણ બાબતે ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં 18 થી 23 જુલાઇના પડેલા ભારે વરસાદથી થયેલ નુકશાન માટે સરકારશ્રીએ તા.23-8-24ના પરિપત્રથી પિયત- બિનપિયત અને દિર્ધાયુ પાકોને થયેલા નુકશાનની વળતરનો પરિપત્ર કર્યો, પરંતુ તા.23-8-24 (નકલ સામેલ છે)ના પરિપત્રમાં સરકારશ્રી જમીન ધોવાણની બાબત ભૂલી ગઇ છે કે શું ? અગાઉ સરકારશ્રીએ 23-24 જુન 2015માં પડેલા ભારે વરસાદમાં તા.15-7-15 (પરિપત્ર સામેલ છે)માં સરકારશ્રીએ સામાન્ય ધોવાણ માટે હેકટરે 25000 અને જયારે નદી વહેણ બદલી ગયુ હોય હેકટરે 60000 ચુકવવાનું ઠરાવેલ હતુ. ચાલુ વર્ષે ઓગસ્ટ 2024માં પડેલા વરસાદથી સૌરાષ્ટ્ર/ગુજરાતની દરેક નદીઓએ વહેણ બદલ્યા છે તેમાયે સૌરાષ્ટ્રની ભાદર, ઓઝત અને ઉબેણના પાણીથી ખેડૂતોના ખેતરો હાડપીંજર જેવા કરી દીધા છે, મુખ્યમંત્રી ખેડૂતોને જમીન ધોવાણનું વળતર નહીં ચુકવે ? સામાન્ય રીતે એકવાર ખેડૂતોના ખેતરમાંથી ફળદ્રુપ માટી જતી રહેવાથી ફરી ફળદ્રુપ થતા વર્ષો જતા રહે છે અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતો હોય છે. સરકારશ્રીને વિનંતી કે હાલની મોંઘવારીને ઘ્યાને લઇ ખાસ કેસમાં જમી ધોવાણ સહાય અંગે જરૂરી ઠરાવ કરી તાત્કાલીક વળતર ચુકવે તેવી માંગ ખેડૂતો દ્વારા થઇ હતી.
મેંદરડાના ગોધમપુર વાડી વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ખડકાયું
જૂનાગઢ જિલ્લામાં વરસાદના 3 રાઉન્ડે તારાજી સરજી છે ત્યારે સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાક સાથે જમીન ધોવાણ અને વાડી વિસ્તારમાં જવાના રસ્તાને ભારે નુકશાન જોવા મળી રહ્યુ છે. ત્યારે ખેડૂતોને ખેતરે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં મેંદરડા તાલુકાના ગોધમપુર ગામ સહિતના વાડીના રસ્તાઓ પર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. ત્યારે ટ્રેરકટર પણ ફસાઇ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે આવા રસ્તાને લીધે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે, વાડીએ જવાના રસ્તાને તાત્કાલી સમારકામ કરી આપવાની માંગણી ઉઠી છે. હાલ હજુ ચોમાસાની ઋતુ શરૂ છે અને હજુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આવા રસ્તાનો તાત્કાલીક ધોરણે ખેડૂતો ચાલી શકે તેવા રસ્તા બનાવી આપવા ખેડૂતોની માંગ છે.