ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે દ્વારકા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં વરસાદની આગાહી: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમાકેદાર થઈ છે અને અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ.
- Advertisement -
દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોન્સૂન ટ્રફ અને અન્ય સિસ્ટમના કારણે વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી 4 દિવસમાંથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 2 દિવસ વરસાદનું વધુ જોર રહેશે, જે બાદ વરસાદનું જોર ઘટશે. બે દિવસ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. આજે દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આજે દ્વારકામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે નવસારી, વલસાડ, ડાંગ, જામનગર, પોરબંદર, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર કચ્છ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
2 દિવસ ભારે વરસાદની આગાહી
આજે (22 જુલાઈ) જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદમાં પણ ભારેથી સામાન્ય વરસાદની આગાહી છે.