અમદાવાદમાં થોડા સમયનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદનાં એસ.જી. હાઈવે સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાતા AMC નો પ્રિ મોન્સુન પ્લાન ધોવાઈ જવા પામ્યો હતો.
અમદાવાદ શહેરમાં થોડા સમયનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલ વરસાદથી શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. એસ.જી. હાઈવે, થલતેજ તેમજ દિલ્હી દરવાજા, કાલુપુર સહિતનાં વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.
- Advertisement -
વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન
અમદાવાદમાં પડેલ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે અમદાવાદ અસારવા સિવિલમાં FSL જંક્શન પર પાણી ભરાયા હતા. FSL જંક્શન પર વરસાદી પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા છે. FSL જંક્શનથી મેઘાણી નગર રોડ પર પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા.
રસ્તાઓ પરથી પસાર થતા વાહોન બંધ પડ્યા
અમદાવાદનાં નરોડા વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રસ્તાઓ પરથી પસાર થતા વાહનો પાણી ભરાવાને કારણે બંધ પડ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પ્રિ-મોન્સુન પ્લાન પાછળ કરોડોનો ધુમાડો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા વરસાદી પાણીનાં યોગ્ય નિકાલ માટે પ્રિ-મોન્સુન પ્લાન બનાવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન પ્લાનમાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. પરંતું નવાઈની વાત એ છે કે વરસાદ પડતાની સાથે જ પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ નીવડે છે. અને અમદાવાદનાં મોટા ભાગનાં વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેથી વાહન ચાલકો સહિત રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.