વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા અત્યારે ગરમીમાં રાહત
વાતાવરણમાં ભેજનું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયું છે.
દક્ષિણ દિશામાંથી ફુંકાઈ રહેલા પવનના કારણે વાતાવરણમાં ભેજ વધુ જોવા મળે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે અને ભેજવાળા પવનથી ગરમીને થોડી બ્રેક લાગી છે. પરંતુ આગામી તારીખ 16 ને શનિવારથી હીટ વેવનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે એવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર અમરેલી રાજકોટ કંડલા અને સુરેન્દ્રનગર માં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે છે. પરંતુ તે સિવાયના સૌરાષ્ટ્ર-કચ્છના સમગ્ર વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે આવી ગયું છે અને તેના કારણે લોકો ગરમીમાં રાહત અનુભવી રહ્યા છે. અધુરામાં પુરૂ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોવાના કારણે લોકો સવારે વધુ રાહત મેળવે છે. સુરતમાં આજે સવારે 90 ટકા ભેજ નોંધાયો છે. જ્યારે ભુજમાં 96 વેરાવળમાં 93 દ્વારકામાં 87 અને રાજકોટમાં 80 ટકા ભેજ નોંધાયો છે. હજુ બે દિવસ સુધી ગરમીમાં રાહત રહેશે અને ત્યાર પછી તારીખ 16 થી મહત્તમ તાપમાનનો પારો ત્રણ દિવસ સુધી તબક્કાવાર બેથી ત્રણ ડિગ્રી જેટલો ઊંચકાશે અને તેના કારણે કચ્છ, બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.