તાપમાન 48 સુધી પહોંચવાની શક્યતા; તેલંગાણામાં વીજળી પડતા 6ના મોત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હવામાન વિભાગે 14 જૂન સુધી હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઞઙ, ખઙ સહીત 10 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યુ છે. દેશમાં ચોમાસુ 29 મેથી મુંબઈ-છત્તીસગઢ સરહદ પર અટકાયું છે. દક્ષિણ અને ઉત્તર-પૂર્વના રાજ્યો સિવાય તમામ રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં તીવ્ર ગરમી માટે રેડ એલર્ટ છે. અહીં તાપમાન 45 ડિગ્રીને પાર જઈ શકે છે. તેમજ, હરિયાણાના 9 જિલ્લાઓમાં દિવસનું તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન, સાગર, ગ્વાલિયર-ચંબલ વિભાગના 12 જિલ્લાઓમાં ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનના 22 જિલ્લાઓમાં ગરમીનું એલર્ટ છે. ગુરુવારે શ્રી ગંગાનગર, કોટા, બિકાનેર સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું હતું. બીજી તરફ, હવામાન વિભાગે કર્ણાટક, ગોવા, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવારે કર્ણાટકના હુબલીમાં ભારે વરસાદ પડ્યો હતો. તેના કારણે ઘણી ઇમારતોના ભોંયરાઓ અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં ગુરુવારે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ સાથે વીજળી પડતા પાંચ મહિલાઓ સહિત 6 લોકોના મોત થયા હતા.યુપીમાં ગરમ પવનો સાથે ભીષણ ગરમીનો કહેર યથાવત છે. જો કે, હવામાન વિભાગે શુક્રવારે રાજ્યના 35 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. જ્યારે 14 જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બુંદેલખંડ અને પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાઓ હીટવેવની ઝપેટમાં છે. ગુરુવારે, આગ્રા અને ઝાંસીનું તાપમાન સતત 45 ડિગ્રીથી ઉપર રહ્યું.
ગુજરાતના 12 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ, આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, કેટલાક રાજ્યોમાં ચોમાસું આવી ગયું છે. 14મી જૂનથી ચોમાસું ખૂબ જ સક્રિય થઈ શકે છે. જેના કારણે 16મી જૂન પછી ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિ મોન્સુનનો વરસાદ શરુ થઈ શકે છે. નોંધનીય છે કે, હાલમાં ગરમીને કારણે બધાની હાલત ખરાબ થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં વરસાદની સંભાવના છે. 13મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરુ થશે. ત્યારબાદ ચોમાસું ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે. ઘણા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
13મી જૂને ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ભાવનગર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, દાહોદ, પંચમહાલ, તાપી અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. 14મી જૂને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત જિલ્લામાં જુદા જુદા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ છે. આ ઉપરાંત ગીર-સોમનાથ, અમરેલી, મહિસાગર, ભરુચ, વલસાડ, દાહોદ, નર્મદા, બોટાદ, ભાવનગર, સુરતમાં વરસાદની શક્યતા છે.