RCBની ટીમે આઈપીએલનો ખિતાબ 18 વર્ષે જીત્યો. આ વિજય RCBના ચાહકો માટે તહેવાર સમાન હતો. જેના કારણે RCBના હજારો ચાહકો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા, જ્યાં નાસભાગ થતાં ઘણા લોકોના મોત થયા. આ દુઃખદ ઘટના પર વિરાટ કોહલીએ 91 દિવસ બાદ પહેલીવાર મોટું નિવેદન આપ્યું છે.
11 લોકોના મૃત્યુ પર શું બોલ્યો કોહલી?
- Advertisement -
આ ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ થયા હતા. વિરાટ કોહલીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી છે. ટીમે ભવિષ્યમાં વધુ સારી રીતે ભીડનું સંચાલન કરવાનું વચન પણ આપ્યું છે.
RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મૃતકો અને ઘાયલોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, ‘હવે આપણે સાવધાની, સન્માન અને જવાબદારી સાથે આગળ વધીશું. જીવનમાં કશું જ તમને 4 જૂન જેવી દુઃખદ ઘટના માટે તૈયાર કરી શકતું નથી. આ અમારી ફ્રેન્ચાઈઝીના ઇતિહાસનો સૌથી ખુશીનો પળ હોવો જોઈતો હતો, પરંતુ તે એક દુર્ઘટનામાં બદલાઈ ગયો. હું તે પરિવારો વિશે વિચારી રહ્યો છું અને તેમના માટે પ્રાર્થના કરું છું જેમને આપએ ગુમાવ્યા છે અને અમારા ઘાયલ ફેન્સ માટે પણ. તમારું આ નુકસાન હવે અમારી વાર્તાનો એક ભાગ છે. આપણે બધા સાથે મળીને સાવધાની, સન્માન અને જવાબદારી સાથે આગળ વધીશું.’
નોંધનીય છે કે કોહલીએ અગાઉ આ ઘટનાના એક દિવસ પછી RCBના નિવેદનને જ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું, પરંતુ આ તેનું પહેલું સ્વતંત્ર નિવેદન છે.
- Advertisement -
ઉજવણીના આયોજન પર સવાલ, મંજૂરી વિના ભીડ એકઠી થતાં દુર્ઘટના
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિજયની ઉજવણીના આયોજન અને અમલીકરણ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. નાસભાગ બાદ થયેલી તપાસમાં જાણવા મળ્યું કે RCBએ આટલી મોટી જનમેદની ભેગી કરવા માટે જરૂરી મંજૂરી લીધી ન હતી. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર ખુલ્લું આમંત્રણ આપ્યા બાદ લાખોની સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા અને સ્ટેડિયમની ક્ષમતા કરતા વધુ ભીડ થઈ ગઈ હતી. રિપોર્ટ મુજબ, પોલીસ પણ અણઘડ અને ઓછી સંખ્યામાં હોવાને કારણે ભીડને કાબૂમાં લઈ શકી ન હતી.
ઘરેલું મેદાનથી હાથ ધોવા પડી શકે છે
આ દુર્ઘટના બાદ RCBને IPL 2026માં તેના ઘરેલું મેદાનથી હાથ ધોવા પડી શકે છે. જસ્ટિસ કુંહા કમિશને તેના રિપોર્ટમાં કહ્યું છે કે. ‘એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મોટી જાહેર ઇવેન્ટ્સ માટે યોગ્ય નથી. કમિશનના રિપોર્ટ મુજબ, સ્ટેડિયમની ડિઝાઇન અને માળખું મોટી ભીડ માટે અયોગ્ય અને અસુરક્ષિત છે. ભવિષ્યમાં અહીં કોઈ પણ મોટો કાર્યક્રમ યોજવો એ લોકોની સુરક્ષા માટે જોખમી બની શકે છે.’