ભત્રીજાના ઘરે આવેલ જસદણના પ્રૌઢ, અને રાજકોટના યુવકના શ્વાસ થંભી ગયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકથી મૃત્યુ થવાનો સિલસિલો યથાવત રહેતા આરોગ્ય તંત્ર પણ ચિંતિત બની ગયું છે ત્યારે રાજકોટમાં આજે વધુ બે લોકોને હાર્ટએટેક ભરખી જતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જસદણના દહીંસરામાં રહેતા જેરામભાઇ લક્ષ્મણભાઇ બારૈયા ઉ.પર ગઇકાલે રાજકોટના કોઠારીયા ગામે મફતીયાપરામાં રહેતા ભત્રીજા રસીકભાઇ બાવજીભાઇ બારૈયાને ત્યાં આંટો મારવા આવ્યા હતા અહીં મોડી રાત્રે છાતીમાં દુ:ખાવો થતો હોય અને ગભરામણ થતું હોવાની ફરીયાદ સાથે બેભાન થઇ જતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અંહી ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યાનું જાણવા મળ્યું હતું. મૃતક જેરામભાઇ ચાર ભાઇ, એક બહેનમાં મોટા અને સંતાનમાં એક પુત્ર હોવાનું તેમજ પોતે કંપનીઓમાં સફાઇ કોન્ટ્રાકટ રાખતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે શહેરની ભાગોળે આજીડેમ ચોકડી પાસે સુંદરમ પાર્કમાં રહેતા જગદીશભાઇ દાનાભાઇ બોસીયા ઉ.4ર વહેલી સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુ:ખાવો થતા બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અંહી મૃત જાહેર કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો મૃતક જગદીશભાઇ બે ભાઇ, એક બહેનમાં મોટા અને સંતાનમાં બે દિકરીઓ હોવાનું જાણવા મળ્યું છે તેમને ફેફસાની બીમારી હતી. જોકે અચાનક બેભાન થતા હાર્ટ એટેક આવી ગયાનું તારણ છે બે દીકરી પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.