સરકાર પક્ષ અને જયસુખ પટેલનાં વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદ્દત માંગતા સુનાવણી ટળી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં દિન પ્રતિદિન ધીમે ધીમે નવા વણાંકો આવતા જાય છે ત્યારે ઝૂલતા પુલનું રીનોવેશન કામ કરનાર, મુખ્ય જવાબદાર અને જેનું હજુ એફઆઈઆરમાં પણ નામ જ નથી આવ્યું તેવા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખ પટેલે સંભવિત ધરપકડ સામે પોતાના વકીલ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જો કે સુનાવણી સમયે સરકાર પક્ષ તેમજ જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિતો પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ આગોતરા જામીનની અરજીની સુનાવણી કરવામાં આવશે.
- Advertisement -
30 ઓક્ટોબરે મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જવાની દુર્ઘટનામાં 135 વ્યક્તિઓનો ભોગ લેવાયા બાદ નાની માછલીઓને પકડીને પોલીસે સંતોષ માની લીધો હોય તેમ મોટા મગરમચ્છો સામે સામે કોઈ કાર્યવાહી ન થતાં અનેક આક્ષેપો સાથે લોકોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. આ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર અને પુલનું રીનોવેશન કામ કરનાર ઓરેવા ગ્રુપનો માલિક જયસુખ પટેલ ઘટના બાદ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય પણ કાયદાકીય તલવાર તેમના માથે લટકતી હોય થોડા સમય અગાઉ આ દુર્ઘટના મામલે હાઈકોર્ટે પણ ઓરેવા ગ્રુપને નોટીસ આપી હાજર રહેવા ફરમાન કર્યું હતું ત્યારે ભલે એફઆઈઆરમાં નામ પણ ન હોય પરંતુ જયસુખ પટેલ મુખ્ય જવાબદાર ગણાતો હોય જેથી કાયદાનો સકંજો કસાતાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે ધરપકડથી બચવા વકીલ એ. કે. જાડેજા મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી ત્યારે આજે આ આગોતરા જામીન અરજીની સુનાવણી સમયે સરકાર પક્ષના વકીલ તેમજ જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગતા નામદાર કોર્ટે આગામી 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી મુકરર કરી હતી.
મૃતકોના પરિવારજનોએ વાંધા અરજી દાખલ કરી
ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે મૃતકોના પરિવારજનોએ વકીલ દિલીપભાઈ અગેચણીયા મારફતે જયસુખ પટેલની આગોતરા જામીન મેળવવાની અરજી સામે વાંધા અરજી કરીને જયસુખની જામીન અરજીની સુનાવણી સમયે પોતાને સાંભળવા માટે પક્ષકાર તરીકે જોડાવા પરવાનગી આપવા અરજી કરી હોવાનું સામે આવ્યું છે.