આરોગ્યમંત્રીએ કહ્યું- ‘હડતાળ પતાવો નહીં તો હવે સરકાર પગલાં લેશે’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માગણીઓને લઇને સરકાર સામે બાયો ચડાવી છે. 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતરેલા આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગરમાં ઈખને મળવા પહોંચ્યા છે. જેને લઇને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે એ પહેલાં ડામી દેવા માટે અટકાયત શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 500થી વધુ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકારે દ્વારા ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ) લાગુ કરાઇ છે. આ અંગે આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવ્યાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલા લેશે.
મુખ્ય માંગણીઓમાં MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત, MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ર્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ કોઇ નિકાલ ન આવતા સરકારને 1લી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જે બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. જે બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.