અન્ય દેશમાં સંક્રમણ વધતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મંજૂરી આપવાના નિર્ણય અંગે ચર્ચા કરાશે
વિશ્વમાં કોરોનાની ચોથી લહેરના ભણકારાં
- Advertisement -
કોરોનાની તકેદારી રાખવા આરોગ્ય પ્રધાનની કડક સુચના
કોરોનાની ત્રીજી લહેર જતી રહી છે, પરંતુ રક્તપિશાચી રાક્ષસની જેમ કોરોનાં સંપૂર્ણ રીતે વિદાય લેવાનું નામ નથી લેતો. વિશ્વના અન્ય દેશોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. ચીન, હોંગકોંગ, સિંગાપોર અને દક્ષિણ કોરિયા સહિતના અન્ય દેશોમાં કોવિડ – 19ના કેસ વધતાં રહ્યા છે. ઈઝરાયલમાં પણ નવો વેરિયન્ટ આવ્યો છે તેવા સમાચાર પણ સામે આવ્યા છે. ત્યારે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા એક્શન મોડમાં આવી ગયા છે. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં બુધવારે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં દેશમાં કોવીડ-19ની સ્થિતિ અને રસીકરણના કામ અંગે મુલ્યાંકન કર્યું હતું અને નિર્દેશો આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મુક્ત ભારત કરવા માટે 12 થી 14 વર્ષના બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે અન્ય દેશોના કારણે ભારતમાં કોરોનાનું સંક્રમણ ફરી ન ફેલાઈ તે માટે 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મંજૂરી આપવાના નિર્ણયની સમીક્ષા કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, આ બેઠકમાં આરોગ્ય સચિવ, ફાર્મા સચિવ અને સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સહકલાકાર સહિતના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત નીતિ આયોગના સભ્ય વીકે પોલ, આઈસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના વડા સુરજીતસિંહ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. ભારતમાં બુધવારે 2,876 નવા કેસ નોંધયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 32,811 થઈ ગઈ છે. જો કે કેસની સંખ્યા ઓછી છે તેમ છતાં સરકાર તકેદારીના ભાગરૂપે એકશન મોડમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોનાના નવા કેસની સ્થિતિ કાબુમાં છે.