તમે આગ સાથે રમી રહ્યા છો, પરંતુ તેથી છેવટે તમે જ ખતમ થઈ જશો
શેખ હસીનાએ મોહમ્મદ યુનુસનાં માર્ગદર્શન નીચેની સરકાર ઉપર બાંગ્લાદેશનો ઇતિહાસ મીટાવવાનો અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ભૂલવાડવાનો આક્ષેપ મુક્યો બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ પોતાના સમર્થકોને એક વિડીયો દ્વારા સંબોધન કરતાં યુનુસ ઉપર બાંગ્લાદેશનો ઇતિહાસ મીટાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમાએ વિશેષત: બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આવામી લીગે આપેલા યોગદાનનો પણ ઇતિહાસ ભૂલાવવાનો આક્ષેપ મુક્યો હતો.
- Advertisement -
હાલમાં દેશવટો ભોગવી રહેલા શેખ હસીનાએ વર્તમાન સરકારની ટીકા કરતાં મોહમ્મદ યુનુસ ઉપર પણ આક્ષેપ મુકયો હતો અને કહ્યું હતું કે પોતાની સત્તાની તલપ બુઝાવવા માટે તેમણે વિદેશી પ્લેયર્સનો સાથ લીધો હતો, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે તેઓ આગ સાથે લડી રહ્યા છે. જે તેમને જ ખતમ કરી નાખશે. તેમણે યુનુસને ચેતવતાં ફરી કહ્યું, ‘તમે આગ સાથે રમી રહ્યા છો, પરંતુ તેથી છેવટે તમે જ ખતમ થઈ જશો. આ સાથે તેઓએ પૂછયું કે, એક સમયે, વિદ્યાર્થી પ્રદર્શનકારી નેતા, અબુ સઈદનું મૃત્યુ કયાં કારણોસર થયું ? (એમ કહેવાય છે કે, બાંગ્લાદેશમાં વ્યાપેલા લઘુમતિઓ વિરૂદ્ધના અત્યાચારો સામે અબુ સઇદે અવાજ ઊઠાવતાં તેઓની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ છે.)
ઉલ્લેખનીય છે કે, હાલમાં બાંગ્લાદેશમાં વ્યાપાર ધંધા ઘણા મંદ પડી ગયા છે. ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. વિદેશી રોકાણકારો જે થોડા ઘણા પણ હતા તેઓ આ તોફાનો પછી બાંગ્લાદેશ છોડી ગયા છે. તેથી એક તરફ બેકારી વધી છે તો બીજી તરફ ખાદ્યાન્નથી શરૂ કરી બધી ચીજોના ભાવ ઉંચા ગયા છે. ભીતરના ઉકળતા ચરૂ પ્રત્યે બીજે ધ્યાન દોરવા, યુનુસનાં માર્ગદર્શન નીચેની સરકાર આવા આવા પ્રદર્શનોને વધુ ભડકાવી રહી હોવાના તેની ઉપર આક્ષેપ છે.
આ તોફાનો અંગે શેખ હસીનાએ વિદેશોની સહાય પર ટકી રહેલી યુનુસ સરકારને જણાવ્યું હતું કે, તમે આગ સાથે રમી રહ્યા છો. પરંતુ તેથી તમે જ ખતમ થઇ જશો. વાસ્તવમાં તમે તે દેશની સહાય લઇ રહ્યા છો, જે બાંગ્લાદેશને જ ખતમ કરવા માગે છે. આ રીતે તેઓએ પાકિસ્તાનનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.