-1992માં શેર રૂ.7 સુધી ગબડયો હતો: IPO પુરો ભરાયો પણ ન હતો
એચડીએફસીએ 1978માં શેરબજારમાં જાહેર ભરણાં (આઈપીઓ) સાથે એન્ટ્રી કરી હતી. પરંતુ એચડીએફસી બેન્ક સાથે મર્જર થયા બાદ એચડીએફસીને ડિલિસ્ટ કરવાના નિર્ણયને પગલે શેરબજારમાં બુધવારે ટ્રેડીંગનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે શેરનો ભાવ 2711.95 અને 2777.50ની રેન્જમાં અથડાઈને છેલ્લે 2729.95 બંધ રહેતાં આગલા બંધ સામે 0.6 ટકા એટલે કે રૂા.17 નીચો રહ્યો હતો.
- Advertisement -
એચડીએફસીએ શેરબજારમાંથી રૂા.5.05 લાખ કરોડના માર્કેટ કેપ સાથે વિદાય લીધી છે અને આ માર્કેટ કેપ સાથે તે ટોચની મુલ્યવાન કંપનીઓની યાદીમાં નવમાં સ્થાને રહી હતી.
કંપનીનો આઈપીઓ 1989માં આવ્યો ત્યારે રૂા.100ના ભાવે શેરો ઓફર કરાયા હતા અને રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળતા ઈસ્યુ અંડરસબસ્ક્રાઈબ થયો હતો. પરંતુ ત્યારપછી શેરે રોકાણકારોને માતબર વળતર આપ્યું હતું અને સિંગલ ડીજીટનો શેર વધીને ચાર આંકડામાં પહોંચ્યો હતો.
શેરનો ભાવ 1992માં રૂા.7ની સૌથી નીચલી સપાટીએ ગગડયો હતો, જયાંથી વધતો રહીને ઉંચામાં 2930 સુધી વધ્યો હતો. આમ 1992માં રોકાણ કરનારે જો હાલ સુધી જાળવ્યું હશે તો તેને 41757 ટકાનું માતબર વળતર મળ્યું છે. પાંચ બ્રાન્ચથી શરૂ કરનાર કંપનીની દેશભરમાં હાલ 7280 શાખાઓ છે.
- Advertisement -
એચડીએફસીનું એચડીએફસી સાથે મર્જર કરવામાં આવતા ગુરુવારથી હવે એચડીએફસી બેન્ક એક માત્ર શેર રહેશે અને બન્ને કંપનીઓના મર્જર સાથે બુધવારના એચડીએફસીના રૂા.5.05 લાખ કરોડ અને એચડીએફસી બેન્કના રૂા.9.13 લાખ કરોડના માર્કેટ કેપનું સંયુક્ત ગણવામાં આવે તો રૂા.14.18 લાખ કરોડનું થાય, જે દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસનું માર્કેટ કેપ રૂા.11.9 લાખ કરોડ રહેતાં સંયુક્ત કંપની/બેન્ક દેશની સૌથી મુલ્યવાન યાદીમાં બીજા સ્થાને પહોંચશે.
મર્જર 1લી જુલાઈથી અમલી બની ગયું છે અને સંયુક્ત કદ 40 અબજ ડોલરનું થયું છે. આ મર્જર માટેની રેકોર્ડ ડેટ 13 જુલાઈ રાખવામાં આવી હોવાથી એચડીએફસીનો શેરબજારનો ટ્રેડીંગનો છેલ્લો દિવસ બુધવાર હતો.
એલએન્ડટી માઈન્ડટ્રી, જેએસડબલ્યુ સ્ટીલ બેન્ચમાર્કમાં
એચડીએફસીની બીએસઈ સેન્સેકસ અને નિફટી-50માં વિદાય થતાં હવે સેન્સેકસમાં તેના સ્થાને જેએસડબલ્યુ સ્ટીલ અને નિફટી-50માં એલએન્ડટી માઈન્ડટ્રીનો સમાવેશ કરવામાં આવશે. જેએસડબલ્યુ સ્ટીલનું વર્તમાન માર્કેટ કેપ રૂા.1.94 લાખ કરોડનું રહ્યું છે તો એલએન્ડટી માઈન્ડટ્રીનું રૂા.1.42 લાખ કરોડ છે. નિફટી-50માં થનારા બદલાવ સાથે આઈટી કંપનીઓનું વેઈટેજ વધશે. જો કે, આ કંપનીઓનું માર્કેટ કેપ એચડીએફસી સાથે સરખાવીયે તો ખાસ્સું નીચું રહ્યું છે.