બળજબરી અને ધાકધમકીથી અરજીમાં સહી લઈ, જમીન પડાવી લેવાનો કારસો રચ્યો હોવાની અરજદારની અરજી: હાઈકોર્ટે ગંભીર ગુનો ગણાવ્યો
પોલીસ કમિશનરે ACP-DCP કક્ષાના અધિકારીના માર્ગદર્શનમાં તપાસ કરાવવાની રહેશે
- Advertisement -
ચાર અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરવાની રહેશે FIR નોંધવામાં ન આવે તો તેનાં કારણો આપવા પડશે અને અરજદાર ભારતીય ન્યાયસંહિતાની કલમ 223 મુજબ ફરિયાદ કરી શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રહીશ અશોકભાઈ ધીરજલાલ સગપરિયાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. ગરચર, તેમના રાઈટર, તેમના કોમ્પ્યુટર ઓપરેટર અને હાજી હબીબ કુરેશી ઉર્ફે અબ્બાસ નામના ગુનાઈત ઈતિહાસ ધરાવતાં શખસ સામે પોલીસ ઑથોરિટીને કરેલી અરજી અને હાઈકોર્ટમાં કરેલી પીટિશન બાદ હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ પોતાનાં ઓર્ડરમાં આ મેટરને (કોગ્નિઝિબલ) ગંભીર ગણાવી હતી. ચૂકાદામાં તેમણે રાજકોટના પોલીસ કમિશનરને આસિસ્ટન્ટ કમિશનર દરજ્જાના અધિકારીના માર્ગદર્શનમાં આ ઘટનાની તપાસ કરાવવા અને ચાર અઠવાડિયામાં એફ.આઈ.આર. નોંધવા, ફરિયાદ નોંધવા જેવું ન લાગે તો તેનાં કારણો જણાવવા તાકીદ કરી છે. એફ.આઈ.આર. નોંધવા માટે કોઈ ના કહે તો અરજદાર ભારતીય ન્યાયસંહિતાની કલમ 223 મુજબ ફરિયાદ કરવા પણ જણાવ્યું છે. મૂળે આ ઘટના મોરબી રોડ પર આવેલી 25 કરોડની કિંમતી જમીન મુદ્દે છે. આ જમીનનાં મૂળ માલીક રહી ચૂકેલા અશોકભાઈ સગપરિયાએ આ જગ્યા કોઈ પાર્ટીને વેંચી નાંખી હતી.
- Advertisement -
પરંતુ સોદો રદ કરાવીને જમીન પચાવી પાડવા પી.એસ.આઈ. ગરચર અને અન્ય અધિકારીઓએ અનેક પ્રકારે ખેલ રચ્યા હોવાનું અરજદારે જણાવ્યું હતું. અરજદારે પોતાની અરજીમાં શું-શું લખ્યું છે-તે જાણવા માટે નીચે અમે આખી અરજી અક્ષરશ:, કોઈ કાપકૂપ વગર મૂકી રહ્યાં છીએ :
જય ભારત સાથ લખવાનું કે હું મથાળે દર્શાવેલ સરનામે મારા કુટુંબ સાથે રહું છું.
આજરોજ તા. 9-3-2023ના બપોરના આશરે 3-00 કલાકે હું મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોક પાસેના ખોડલ પાર્કમાં મેઈન રોડ ઉપરના મકાનમાં હતો ત્યારે ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. ગરચર, તેમના રાઈટર (નામ ખબર નથી), તથા હાજી હબીબ કુરેશી ઉર્ફે અબ્બાસ નામના શખ્સ મારા ઘરે આવેલ અને મને સાથે આવવાનું કહેલ જેથી મેં કારણ પૂછતા મને કહેલ કે તને એક કેસમાં ફરિયાદી બનાવવાનો છે, જેથી મેં ફરિયાદ કરવાની ના પાડતા મને ધાકધમકીઓ આપી બ્લુ કલરની પ્રાઈવેટ કારમાં બળજબરીથી કાઠલો પકડીને ઉપાડી ગયેલા હતા અને જામનગર રોડ ઉપર આવેલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ બિલ્ડિંગના ત્રીજા માળે એક રૂમમાં બેસાડેલ હતો. ત્યાં તે રૂમમાં આ પી.એસ.આઈ. ગરચર, તેના રાઈટર એક કોમ્પ્યુટર ઓપરેટર ટાઈપ કામ કરવાવાળા તેમજ હાજી હબીબ કુરેશી ઉર્ફે અબ્બાસ હતા. મને પી.એસ.આઈ. ગરચરએ મારી માલીકીની મોરબી રોડ ઉપર આવેલ ખેતીની જમીન રે.સ.નં. 42 પૈકી 7/1ની એકર 2-00 ગુંઠા વિશે પૂછપરછ કરેલ હતી, તેમજ હાજી હબીબ કુરેશી ઉર્ફે અબ્બાસ પણ આ જમીન અંગે બોલતો હતો, મને આ પી.એસ.આઈ. ગરચરએ તેમના ટેબલના ખાનામાંથી એક પિસ્તોલ કાઢી અને તેની સાથે એક ગોળી પણ કાઢી મને બતાવી અને કહેલ કે આ પિસ્તોલથી આ અબ્બાસ તારી જમીનનો વહીવટ પૂરો થાય એટલે તને મારી નાખવાનો છે, અમે આ અબ્બાસને આ પિસ્તોલ તથા ગોળી સાથે ત્રણ દીવસ પહેલા પકડેલ છે, એટલે આ ટાઈપ કરવાવાળા અરજી ફરિયાદ ટાઈપ કરે તેમાં તારે સહી કરવાની છે, મને આ પી.એસ.આઈ. ગરચર ક્રાઈમ બ્રાંચની આ બિલ્ડિંગમાં નીચેના માળે એક રૂપાળા અને નીચા સરખા દેખાતા એક મોટા સાહેબની ઓફીસમાં પણ લઈ ગયેલ હતા અને તેમની સાથે તેઓની વાતચીત થતા તે સાહેબએ કહેલ કે ફરિયાદ નોંધી રાખો.
ત્યારબાદ આ પી.એસ.આઈ. અબ્બાસને પૂછતા હતા અને મને પણ પુછતા હતા અને પી.એસ.આઈ.એ જણાવેલ કે આ અબ્બાસ તેમજ ચેતન ગોંડલીયા, કીશોર ચાવડા તથા જે.ડી. અને ભાવેશ વિકાણી મને મારી નાખવા માટે આ પિસ્તોલ લઈ આવેલ છે જે અમે પકડી છે, જેથી આ ટાઈપવાળા જે ફરિયાદ તૈયાર કરે છે તેમાં તારી સહી લેવાની છે અને પછી તે ફરિયાદ અરજીમાં મારુ નામ તથા રણછોડનગરના મારા મકાનવાળા સરનામાની વિગત લખી અને મારી માલીકીની મોરબી રોડ ઉપરની જમીનના પાસેથી કિશોર ચાવડા, જે. ડી. બાપુ, અબ્બાસ કુરેશી અને ભાવેશ વિકાણીએ મારી પાસેથી ચાર સાટાખત અને કુલમુખત્યારનામુ પિસ્તોલ બતાવી ધાક ધમકીથી લખાવી લીધેલ હોવાનું લખવામાં આવેલ હતું અને આ ખોટી ફરિયાદમાં મારે સહી કરવી ન હતી તેમ છતાં બળજબરીપૂર્વક દબાણ લાવી સહી કરાવી લીધેલ છે, કારણ કે આ લોકોએ મારી સાથે કોઈ બળજબરી કરેલ નથી તેમ છતાં મારી પાસેથી તેઓ વિરુદ્ધ ખોટી ફરિયાદમાં સહી લેવામાં આવેલ છે. મને બપોરે 3-00 વાગે લઈ ગયેલ અને રાત્રે 8-00 વાગ્યા સુધી બેસાડી અને સહી લઈ અને રવાના કરેલ હતો. આ ફરિયાદ વિશે કોઈને કહેતો નહીં નહીંતર તારી જમીન ખવાઈ જશે તેમ પણ કહેલ છે.
સદરહુ જમીન કીંમતી હોવાથી આ કામના સામાવાળાઓ પોલીસ અને અન્ય લોકો મસમોટો તોડ કરવાના હેતુથી ખોટી ફરિયાદ ઉભી કરી તેમાં મારી સહી લઈ મારો ગેરઉપયોગ કરી તેમનું મકસદ પાર પાડવા કોશીશ કરે છે.
મારે આ કીશોર ચાવડા, જે.ડી.બાપુ, ચેતન ગોંડલીયા, લાલાભાઈ મીર અને ભાવેશ વિકાણી વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ નથી તેમજ ભવિષ્યમાં પણ મારે તેઓ વિરુદ્ધ ખોટી ધાકધમકી કે ડોક્યુમેન્ટ બનાવવા અંગેની ફરિયાદ કરવાનો પ્રશ્ર્ન જ ઉભો થતો ન હોય કોઈ ફરિયાદ નથી, તેમજ સદરહુ મીલ્કત જમીન મેં રાજીખુશીથી અવેજ મેળવી વેચાણ કરી નાખેલ છે જેથી તે અંગેની પણ ખાસ નોંધ લેવા નમ્ર અરજ છે.
હું એકદમ ગભરાઈ ગયેલ છું, મને કોઈ પણ પોલીસવાળા કે અન્ય શખ્સો હજી પણ ઉઠાવી જઈ મારા વિરુદ્ધ ખોટી કાર્યવાહી કે મારપીટ થઈ શકે તેમ છે જેથી મને સરકારશ્રીના ખર્ચે રક્ષણ મળવા નમ્ર અરજ છે, તેમજ મારી આ અરજીને ધ્યાનમાં લઈ તાત્કાલીક જે તે જવાબદાર લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.