અંબાજીના પુન:વિકાસ પ્રોજેકટમાં સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા હાઇકોર્ટમાં બે અલગ અલગ રિટ અરજી કરાઇ હતી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.30
- Advertisement -
ગુજરાત હાઈકોર્ટે બુધવારે એક આદેશ મારફતે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુન:વિકાસ પ્રોજેકટ-અંબાજી કોરીડોર માસ્ટર પ્લાનની વિકાસ પ્રક્રિયા પર રોક લગાવવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. અરજદાર સ્થાનિક અસરગ્રસ્તોનું પુન:વસન ના થાય ત્યાં સુધી પ્રોજેકટ પર રોક લગાવવા વચગાળાનો સ્ટે જારી કરવાનો જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે સાફ ઈન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી માર્ચ માસમાં રાખી છે. હાઈકોર્ટના આ હુકમને પગલે અંબાજી કોરીડોર માસ્ટર પ્લાન-પુન:વિકાસ પ્રોજેકટને આગળ ધપાવવાનો માર્ગ મોકળો બન્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુન:વિકાસ પ્રોજેકટમાં સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા હાઇકોર્ટમાં બે અલગ અલગ રિટ અરજી કરાઇ હતી, જેમાં તેઓને સરકારી યોજનાઓના વૈકલ્પિક અને વધુ સાર આવાસ આપવાની માંગણી કરવામાં આવી હતી. અરજદારો હાલ કાચા છાપરા અને મકાનોમાં રહી રહ્યા છે, જે પ્રોજેકટની કામગીરીની ભાગરૂપે ખાલી કરાવાઈ રહ્યા છે. અરજદારપક્ષ તરફથી પ્રોજેકટની કામગીરી સામે વચગાળાના સ્ટેની માંગણી કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં આટલું કામ થશે
- Advertisement -
ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે
અંડરપાસ-વે બનશે, રાહદારીઓ માટે રસ્તો બનશે
દિવ્યદર્શની ચોક બનશે, શક્તિપથ-2નું કાર્ય થશે
નિશ્ચિત વિવિધ સુવિધાને લગતાં કાર્યો થશે
પાર્કિંગ અને આગમન પ્રાંગણ બનશે
સુવિધા પૂરી પાડવા માટેની ઈમારતો તૈયાર થશે
કોરિડોર પ્રોજેક્ટ: 89 મકાનને તોડવાની કામગીરી શરૂ
200થી વધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
યાત્રાધામ અંબાજી ખાતે 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંબાજીના રબારીવાસ વિસ્તારમાં આવેલા 89 મકાનોને તોડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં શક્તિ કોરિડોર, સતી સરોવર અને મંદિર સહિતના વિકાસ કાર્યો થનાર છે.
વહીવટી તંત્ર દ્વારા અગાઉ તમામ રહીશોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં આજે સાંજથી હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુધીના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પ્રથમ તમામ મકાનોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા બાદ જેસીબી મશીન વડે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.