આપણાં શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન દર્શનશાસ્ત્ર એ સાંખ્યદર્શન છે. તેના રચયિતા શ્રી કપિલમુનિ હતા. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે વેદોમાં હુ સામવેદ છુ અને મુનિઓમાં હુ કપિલમુનિ છુ. સ્વયમ ભગવાન કપિલમુનિનો આટલો મહિમા કરે છે. સાંખ્યદર્શનમાં પ્રકૃતિના ત્રણ ગુણોની વાત આલેખવામાં આવી છે. આ ત્રણ ગુણો છે: તમોગુણ, રજોગુણ, સત્વગુણ. આ ત્રીજો અને છેલ્લો સત્વગુણ કોઈનામાં સો એ સો ટકા હોય એવો સંપૂર્ણ સાત્વિક મનુષ્ય ભાગ્યેજ જોવા મળે. વ્યવહારમાં જોઇ શકીએ છીએ કે દરેક માનવીમાં આ ત્રણ ગુણો વધતા ઓછા પ્રમાણમાં જોઈ શકાય છે. કોઈ મનુષ્યમાં રજોગુણનું પ્રમાણ વધારે હોય તો બીજામાં તમોગુણનું. અને આ બન્ને મનુષ્યમાં થોડો ઘણો સત્વગુણ પણ હોઈ શકે છે. તમસ ઉર્ફે તમોગુણ ધરાવતા મનુષ્યમાં જગતની જેટલી નકારાત્મક બાબતો છે તે જોવા મળે છે. લોભ,કામ, ક્રોધ, ઈર્ષા, ખટપટ, કપટ,વાસના,ગુસ્સો આ બધ્ધા તમોગુણી લક્ષણો છે. આમાંથી સત્વગુણ તરફ પ્રગતિ કરવી હોય તો સીધી થઈ શકતી નથી . મનુષ્યે રજોગુણમાંથી પસાર થવું પડે છે. રજોગુણ એ આપણને કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. એવાં કયા કાર્યો છે કે જે કરતાં કરતાં આપણામાંથી તમોગુણ ઓસરી જાય? બીજા મનુષ્યોની સેવા કરવાથી, દરિદ્રનારાયણની મદદ કરવાથી આપણું અભિમાન ઓગળે છે. દાન આપવાથી લોભ, કંજુસાઈ અને મોહ ઓછા થાય છે. સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાથી ઈર્ષા, ખટપટ અને કપટ ઓછા થાય છે. આ બધાં પ્રયત્નો દ્વારા આપણે રજોગુણમાંથી યાત્રા કરીને સત્વગુણ સુધી પહોંચી શકીએ છીએ.
સત્વગુણ પછી આપણાં માટે શું બાકી રહે છે? એ પછી જો તમે સાધના દ્વારા આગળનો વિકાસ સાધી શકો તો તમે ગુણાતીત બની જાવ. આપણે ગુણાતીત બની શકીએ એવાં છીએ? ત્યાં પહોચાશે કે નહીં તે નથી જાણતાં પણ પ્રવાસ ખેડવા માટે પગલાં તો પાડીએ, કદમ તો માંડીએ, ચરણ તો ઉપાડીએ.