કિન્નર આચાર્યની તડાફડી
‘ગઈકાલે રાત્રે હું ઘેરા વિચારમાં હતો. હું બીયરનાં 14 કૅન ખાલી કરી ગયો, ચાર સેરિડૉન ટેબ્લેટ ખાઈ ગયો, ચાર કલાક સુધી પ્રેમાનંદજી મહારાજનાં પ્રવચનો સાંભળ્યા. છતાં મને સમજાયું નહીં કે હર્ષિત રાણા શા માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે.’
- Advertisement -
ઉપરોક્ત નિવેદન પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીનું છે અને મોટા ભાગનાં ક્રિકેટપ્રેમીઓ આ વાત સાથે સહમત જ હોય. ગૌતમ ગંભીરનું કોચ તરીકે આગમન થયું એ પછી તેનાં વ્યક્તિગત ગમા-અણગમાએ ટીમ ઈન્ડિયાનાં કૉમ્બિનેશન પર ભયંકર અસર કરી છે. બેશક, ભારતીય ટીમ જીતી રહી છે પરંતુ કોઈ પ્લેયરનું સિલેકશન સમજની બહાર છે તો કોઈને શા માટે બહાર બેસાડવામાં આવ્યા છે- એ વિશે ટપ્પાં પડતાં નથી. રવિ શાસ્ત્રીની વાત સાચી છે, હર્ષિત રાણાનું સ્થાન આ ટીમમાં કોઈ સંજોગોમાં બનતું નથી. આ રીતે જ શ્રેયસ ઐયરને ગઈ ટૂર્નામેન્ટમાં શા માટે ડ્રોપ કરવામાં આવ્યો તે કોઈને સમજાતું નથી. અને એ બેસાડવાને લાયક હતો તો સીધા જ વાઈસ કેપ્ટન તરીકે તેનું કમબૅક શા માટે થયું? ખૂબ વેઈટલોસ કર્યાં બાદ પણ સરફરાઝ ખાનને ટીમમાં શા માટે લેવાતો નથી? સારું પરફોર્મ કર્યા પછી પણ એ ટીમમાંથી બહાર છે. કારણ કોઈને સમજાય તેવું નથી.
મોહમ્મદ શમી શા માટે સિલેકટ થતો નથી? એક ઉત્તમ બોલર હોવા છતાં એ સતત ટીમની બહાર છે. અર્શદીપ સિંહ 15ની સ્કવૉડમાં હોવા છતાં ઈલેવનમાં તેનો સમાવેશ ભાગ્યે જ થાય છે. કુલદીપ યાદવ જેવો વર્લ્ડ ક્લાસ સ્પિનર જો ઓસ્ટ્રેલિયા-ઈન્ગ્લેન્ડ જેવી ટીમમાં હોય તો એ અત્યાર સુધીમાં સાંઠ-સિત્તેર ટેસ્ટ મેચ રમી ચૂક્યો હોત. ટીમ ઈન્ડિયા તરફથી એ આઠેક વર્ષથી રમે છે અને હજુ સુધી માંડ પંદર ટેસ્ટ મેચ રમી શક્યો છે. આ પોલિસી અંગે કોઈને ગતાગમ પડે તો જણાવવા વિનંતી.
ગૌતમ ગંભીર એક અત્યંત ઈગોઈસ્ટ અને બેહદ બાયસ્ડ માણસ છે. તેનાં પૂર્વગ્રહો એટલાં તીવ્ર છે કે, ટીમ તેનાં માટે બીજા સ્થાને આવે છે- પહેલાં નંબરે તેનો ઈગો છે. કેટલાંક ક્રિકેટરો સતત નિષ્ફળ જવા છતાં શા માટે ટીમની બહાર જતાં નથી એ પણ પ્રશ્ર્ન છે અને કેટલાંક ક્રિકેટર લાજવાબ પરફોરમન્સ આપ્યા બાદ પણ ટીમમાં સ્થાન બનાવી શકતાં નથી. ગંભીરનાં રાજમાં આવી અનેક બાબતો ઉડીને આંખે વળગે છે. ટૂંકમાં કહીએ તો ગંભીર ટીમ ઈન્ડિયા માટે ગંભીર નથી, પોતાનાં ગમા-અણગમા પ્રત્યે ગંભીર છે.