પોલીસથી બચવા 19 દિવસમાં 11 રાજ્યમાં ભાગતો ફરતો રહ્યો, અંતે SMCએ દબોચી લીધો
મોડી સાંજે આરોપીઓનો કબજો ગોંડલ તાલુકા પોલીસને સોપવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને એસએમસી ટીમે કેરાલાના કોચીથી ઝડપી લઈ અમદાવાદ પહોંચી છે સાંજે ગોંડલ તાલુકા પોલીસની ટીમને હાર્દિકસિંહનો કબ્જો મળ્યા બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.
ગત તા. 24 જુલાઈની મોડી રાત્રે રીબડા ખાતે આવેલ અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર બે બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કર્યું હતું જે બાદ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી જામકંડોરણા તાલુકાના અડવાલ ગામના રહેવાસી અને મર્ડર કેસમાં પેરોલ જમ્પ હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. બીજા રાજયોમાં પણ તેને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી જો કે ફાયરિંગ કરનાર ઉત્તર પ્રદેશના ચાર ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતાં તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓએ પણ હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબુલ્યું હતું. એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી. ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિકસિંહની શોધખોળ જારી રાખી હતી પરંતુ સફળતા મળતી ન હતી.
આખરે અઠવાડિયા પહેલા રાજયના પોલીસ વડાએ પોતાના સીધા અંકુશ હેઠળની એસએમસીની ટીમને પણ કામે લગાડી હતી. બીજા રાજયોમાં તપાસના અંતે એસએમસીની ટીમે તેને લોકેશનના આધારે કેરાલાના કોચીથી ઝડપી લીધો હતો હાલ એસએમસીની ટીમ હાર્દિકસિંહને લઇ ગાંધીનગર પહોંચી ગઈ છે સાંજ સુધીમાં ગોંડલ તાલુકા પોલીસ આરોપીનો કબ્જો સંભાળી રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજુ કરશે તેવી માહિતી સાંપડી રહી છે હાર્દિકસિંહને પોલીસ પોતાની પાછળ હોવાની જાણ થઈ જતાં સતત પોતાના લોકેશન બદલતો રહેતો હતો. તેની પાછળ પાછળ જ રૂરલ પોલીસની ટીમ હતી તેનું લોકેશન પ્રથમ રાજસ્થાન, દિલ્લી, હિમાચલ પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, યુપી, ઓરિસ્સા, ઉત્તરાખંડ, પશ્ર્ચિમ બંગાળ અને છેલ્લે તામિલનાડુમાં મળ્યા હતા જયાંથી તે કેરાલા રવાના થયો હતો રાજકોટ રૂરલ પોલીસની ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે મદુરાઈમાં તેનું ચોક્કસ લોકેશન નહીં મળતાં હાથમાં આવ્યો ન હતો.


