ભાજપને ગાળો ભાંડી પોતાની રાજકીય કારકિર્દી બનાવનારનું ‘હૃદય પરિવર્તન’
ભાજપની નેતાગીરી સક્ષમ છે, કલમ 370 અને રામ મંદિર જેવાં ઉમદા કાર્યો ભાજપે કર્યાં : હાર્દિક પટેલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે. આ નારાજગી વચ્ચે હાર્દિક પટેલનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તેમ તેણે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. તેણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ મેં મારી વાત મૂકી છે. આ સાથે હાર્દિકને ભાજપ પ્રત્યે પ્રેમ ઉભરાયો હતો અને તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે. રામ મંદિર અને કલમ 370 જેવા મુદ્દે ભાજપનાં વખાણ કરતા અને કોંગ્રેસને વખોડતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. કોંગ્રેસમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઈએ પણ કોંગ્રેસમાં નિર્ણય શક્તિઘટી રહી છે. હાલ હું કોંગ્રેસમાં જ છું.
મારે ભાજપ સાથે કોઈ વાત નથી ચાલી રહી. હું ભાજપની સારી બાબતોને સ્વીકારું છું. ભાજપનલ દ્વારા જમ્મુ કાશ્મીર 370ની કલમ હટાવવી, અને હવે રામમંદિરનું નિર્માણ કરવું જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ. આ સાથે તેણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે જ મને બધું આપ્યું છે. તો મારો હેતુ સ્પષ્ટ છે કે ગુજરાતને આગળ લઇ જઇ શકું તે કરવું છે. બધાં મને કેજરીવાલ સાથે જોડે છે. ભાજપ, કોંગ્રેસ, આપ બધા વિકલ્પો ખુલ્લા જ છે એવું હાર્દિક પટેલે જણાવ્યું હતું.
- Advertisement -
હાર્દિક જેવા કચરાંની ભાજપને જરૂર નથી : દિલીપ સંઘાણી
આજકાલ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ખુબજ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ આપના મુખ્યમંત્રીઓની ગુજરાતની વારંવારની મુલાકાત તેમજ વડાપ્રધાન મોદીની અવાર નવાર મુલાકાત પણ રાજકારણમાં ગરમાવો લાવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે.
હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જેવી રીતે મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે. તે પરથી સ્પષ્ટ થય છે કે આવનાર સમય ગુજરાત કોંગ્રેસ માટે ખુબ કપરો સાબિત થશે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જ્યારથી મીડિયા સમક્ષ ભાજપની નિર્ણય શક્તિના વખાણ કર્યા છે અને કોંગ્રેસની લીડરશીપ સામે નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસથી નારાજ છે. તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે એવાં પરિબળો સક્રિય થયા છે.
હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપામાં જોડાવાની વાત અંગે પૂર્વ કૃષિ મંત્રી અને ઈફકોના ચેરમેન ગુજરાત રાજ્ય અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે હાર્દિક પટેલને રોકડું પરખાવી દીધું છે અને હાર્દિક પટેલને કચરો ગણાવ્યો છે અને નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં જાય તો પણ ભાજપને કોઈ ફેર નહિ પડે તેવું જણાવ્યું છે.
સૂર્ય હોય તેનું તેજ ઘુવડ સિવાય બધા જ જોતા હોય છે : સંઘાણી
દિલીપભાઈ સંઘાણીએ હાર્દિક પટેલને ભાજપમાં લાવવા બબાતે તે વાતનું ખંડન કરતા કહ્યું હતું કે મારા મતે તેને ન લાવવો જોઈએ, ભાજપમાં કચરો ભેગો ન કરાય. આવું મારું વ્યક્તિગત માનવું છે. હાર્દિકે પાટીદાર સમાજમાં કહ્યુ હતુ કે, હું કોઇપણ રાજકીય પાર્ટીમાં નહીં જોડાવ અને હાર્દિક પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કરીને કોંગ્રેસમાં જોડાયા. હવે પાટીદારો હાર્દિકનો વિશ્વાસ નહીં કરે. કોંગ્રેસે તેને મહત્ત્વ આપવાનું બંધ કર્યું એટલે એને અસંતોષ ઉભો થયો છે. હવે તે ગમે ત્યાં જાય તેની વિશ્વાસઘાતીની ઓળખ છે તે બદલી ન શકે. વિશ્વાસઘાતી માણસ ક્યાય પણ જાય તે વિશ્વાશ્ઘાત જ કરે.
ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતુ કે સુર્ય હોય તેનું તેજ ઘુવડ સિવાય બધા જ જોતા હોય છે. કોંગ્રેસનો નેતા ભાજપના કામ માટે સારી વાત કરે તો એથી વધુ ભાજપને પ્રચાર કરવાની શું જરૂૂર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ભાજપને કશો જ ફેર પડવાનો નથી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે, આ સાથે સી.આર પાટીલની વ્યવસ્થા અને મોદી સાહેબનો વિશ્વાસ આગામી સમયમાં બીજેપીને વિક્રમજનક બહુમતી અપાવશે.
હાર્દિક જો ભાજપમાં જોડાશે તો તેની વાનરસેના શું કરશે?
છેલ્લાં પાંચ-સાત વર્ષ દરમિયાન હાર્દિક પટેલ અને તેની વાનરસેનાએ ભાજપને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને અમિત શાહને લાજ-શરમ રાખ્યા વગર સોશિયલ મીડિયા પર ભાંડ્યા છે, તેમનાં વિશે બેફામ લખ્યું છે, ગાળો દીધી છે. હવે, હાર્દિકે ભાજપમાં જોડાવાની ઉત્સુકતા દાખવતાં સવાલ એ છે કે, કાલે સવારે જો હાર્દિક ભાજપમાં જોડાય તો તેની વાનરસેનાનું શું થશે? શું આ આખી ટોળકી હવે ભાજપની પ્રશંસા કરશે? કે તેઓ હાર્દિકની વિરૂદ્ધ પડશે? હાર્દિક જો ભાજપમાં જોડાય તો આ બધું જોવાનું રસપ્રદ રહેશે.
અગાઉ ભાજપ અને રામ મંદિર માટે હાર્દિક પટેલે બેફામ વાણીવિલાસ કર્યો હતો
2018માં ઉત્તરપ્રદેશનાં લખનઉમાં હાર્દિક પટેલે રામ મંદિર મુદ્દે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, 125 કરોડ લોકોનાં નામ બદલીને રામ કરી દેવા જોઈએ. રામ મંદિર મામલે ભાજપ રાજકારણ રમે છે. 2018 બાદ 2020માં માળીયા વિધાનસભા પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, રામ મંદિર બનાવવાની વાતો થઈ રહી છે પણ ત્યાં દર્શન કરવા કોણ જશે? ચોરે કોઈ ઝાલરો વગાડવા જતું નથી અને રામ મંદિર દર્શન કરવા કોણ જશે? એવું વિધાન હાર્દિક પટેલે જૂનાગઢમાં પણ કર્યું હતું. એટલું જ નહીં હાર્દિક પટેલ અનામત આંદોલનનાં સમયથી રામ મંદિર મુદ્દે એલફેલ ટ્વિટ પણ કરતો આવ્યો છે અને રામ મંદિર અંગે વાંરવાર ઝેર જ ઓક્યું છે જે જગજાહેર બાબત છે. હવે હાર્દિક પટેલનું અચાનક હૃદય પરિવર્તન થતા રામ મંદિર અને તેના મુદ્દે ભાજપની પ્રશંસા કરી છે!


